Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

દરજી પરિવારનો માળો વિંખાઇ ગયોઃ વઢવાણ હિબકે ચડયુ!

સાસરીયે જઇ આણંદપુરથી પરત ફરતી વેળાએ ટ્રક નીચે કાર દબાઇ ગઇઃ એક સાથે છ અર્થિઓ ઉઠી : રેડીમેઇડ કાપડના વેપારી નિરજભાઇ ગોહીલ, તેમના પત્નિ, માતા, બે પુત્રી અને પુત્રના કરૂણ મોતઃ એક સપ્તાહમાં બે અકસ્માતમાં ૯ ના મોતથી સુરેન્દ્રનગરમાં શોક

 સુરેન્દ્રનગર તા. ૧૯ : સુરેન્દ્ર નગરના ચોટીલાના સાંગાણી પાસે શનિવારે કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં એક જ પરિવારના ૬ લોકોના જીવ હોમાયા હતા. વઢવાણના આ પરિવારોની આજે એકસાથે ૬ લોકોની અર્થી ઉઠતા આખુ ગામ હિબકે ચઢ્યું હતું.

હાઈવે ઉપર એક કાર પસાર થઈ રહી હતી, તેની બાજુમાંથી જ એક કાર પસાર થઈ રહી હતી. ટ્રક ડ્રાઈવરની કોઈ ભૂલના કારણે ટ્રક પલટી મારી ગયો હતો. પલટી મારેલો ટ્રક બાજુમાંથી પસાર થઈ રહેલી કાર ઉપર પડ્યો હતો. ટ્રક સફેદ બોરીઓથી ભરેલો હતો, જેના કારણે કારનો ભુક્કો બોલી ગયો હતો અને કારમાં બેસેલ તમામ લોકો કચડાઈ ગયા હતા. કારમાં એક જ પરિવાર મુસાફરી કરતો હતો અને કારમાં સવાર તમામ લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતા. અકસ્માત એટલો ભીષણ હતો કે હાજર લોકોના શરીરમાં કંપારી છુટી ગઈ હતી. ટ્રક નીચે દબાઈ ગયેલી કાર બહાર કાઢવા માટે ક્રેન બોલાવીને ટ્રકનો ઊભો કરવો પડ્યો હતો. કારમાં દબાઈ ગયેલા મૃતદેહોને બહાર કાઢવા માટે પણ લોકોને ઘણી જહેમત ઉઠાવવી પડી હતી. કેટલાક મૃતદેહો તો ગાડીની સાથે સપાટ થઈ ગયા હતા.ઙ્ગ

આ મૃતકોમાં (૧) નિરજકુમાર ગોહીલ, (ર) દીનાબેન ગોહીલ (૩) નિધીબેન ગોહીલ (૪) ધીરજબેન ગોહીલ (પ) આયુષિબેન ગોહીલ, અને (૬) શિવાંગ ગોહીલનો સમાવેશ થાય છે.

વઢવાણનો દરજી પરિવાર દિવાળી બાદ પોતાના સાસરામાં સાસુને મળવા માટે ગયો અને આણંદપુર ગામેથી પરત ફરી રહેલા આ વઢવાણના દરજી પરિવાર ચોટીલા માતાજીના દર્શન કરી ત્યારે સાસુ મા અને ચામુંડા માતાજીના આ પરિવારના આખરી દર્શન કર્યા અને થોડે જ દુર આવતા ટ્રક પ્લાસ્ટીકના દાણા ભરીને આ ટ્રક આવતો હતો તેજ ટ્રક ધડાકાભેર અથડાઇ અને કાર ઉપર પલ્ટી મારી જતાં કારમાં રહેલા એક જ પરિવારના ૬ લોકોના ઘટના સ્થળ ઉપર જ કમકમાટી ભર્યા મોત નિપજયાની ઘટના બનતા વઢવાણમાં આ મેસેજ વાયુવેગે ફેલાતા ભારે ગમગીનાની ભર્યા દ્રશ્યો સર્જાયા હતાં.

વઢવાણ પાસે આવેલ દૂધના ડેરી પાસે  આવેલા વિશ્વકર્મા સોસાયટીમાં રહેતા અને વઢવાણના ચંદન ચોકમાં રેડીમેઇડ કાપડના વ્યવસહાય ચલાવતા નિરજભાઇ ગોહીલ, પત્ની, માતા, બે પુત્રીઓ અને પુત્ર સાથે દિવાળી બાદ નવા વર્ષમાં સાસરીયામાં ચોટીલા તાલુકાના આણંદપુર ગામે ગયા હતાં.

જયાંથી સાંજના સમયે પરત ફરતા ચોટીલા નેશનલ હાઇવે ઉપર આવેલા સાંગાણી ગામની પાસે ટ્રકને ઓવર ટ્રેક કરતા ટ્રકમાં ભરેલા પ્લાસ્ટીકના દાણા ભરેલા કોથળા ટ્રક ઉપરથી કાર ઉપર અચાનક પડયા હતા અને આ સાથે ટ્રક પણ કાર ઉપર પલટયો હતો. ત્યારે કારમાં, રહેલા નિરજભાઇ ગોહીલના પરિવારજનોના ૬ વ્યકિતઓ કારમાં જ દબાઇ ગયા હતાં.

ત્યારે વઢવાણ ખાતે રાત્રીના ત્રણેક વાગ્યે ૬ વ્યકિતઓના ડેડ બોડી વઢવાણ તેમનાં નિવાસ સ્થાને લવાયા હતા ત્યારે દરજી પરિવારની આવી ઘટનાને લઇને સમાજના આગેવાનો તેમના નિવાસ સ્થાને દોડી આવ્યા હતા.

ત્યારે આ ઘટનામાં માતા ધિરજબેન ગોહિલ, પુત્ર નિરજભાઇ ગોહિલ, પત્ની દિનાબેન ગોહિલ અને સંતાનો નિધી આયુષી શિવાંગ સહિતના છ વ્યકિતઓની રવિવાર સવારના અંતિમયાત્રા એકજ ઘરમાંથી એકજ પરિવારજનોની ઉઠતા આખાય વઢવાણમાં ગમગીની ભર્યો માહોલ છવાયો હતો. ત્યારે વઢવાણ સ્મશાનમાં એકી સાથે છ વ્યકિતઓને અગ્નિદાહ અપાયો હતો.

ત્યારે ગોહિલ પરિવારમાં આ પરિવારના મોટાભાઇ જગનુભાઇ ગોહિલ ભારે હૈયે જણાવતા હતા કે અમારા આ પરિવાર ઉપર ક્રુરતાભર્યો વ્રજઘાત સર્જાયો છે. ત્યારે મારા માતા મારા ભાઇ ભાભી અને અમારા પરિવારની લાડકવાઇ બે પુત્રીઓ પરિવારમાં અમારો એકનોએક પુત્ર કાળનો કોળિયો બન્યો ત્યારે મારા આ પરિવારના મોતથી હદય કંપી ઉઠયું છે.

એક સપ્તાહમાં ૯ના મોત

૧૧-૧૧ના રવિવારના રોજ વહેલી સવારના સુખડીયા કંદોઇ પરિવારના પોતાની કાર લઇને વઢવાણ પરત ફરતા હતા ત્યારે કોઠારીયા પાસે સાંકર બસ સાથે કારનો અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણના મોત થયા હતા ધર્મેશ અરવિંદભાઇ શેઠ, સતિષ અમૃતલાલ- જગદીશભાઇના મોત નિપજયા હતા. ત્યારે આ સપ્તાહમાં વળી ફરીવાર અકસ્માત સર્જાતા વઢવાણ માટે સપ્તાહ ગોજારૂ સાબિત થવા પામ્યું છે અને વઢવાણમાં ૧૧-૧૧ના રવિવારે ઉપરોકત ત્રણ કંદોઇ પરિવારના મોત નિપજયા બાદ વળી ૧૭-૧૧ના દરજી પરિવારનો માળો પિખાયો છે.

(1:37 pm IST)