Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

વાંકાનેરની 'એ' ગ્રેડની સરકારી હોસ્પિટલમાં માત્ર એક જ તબીબ : દર્દીઓ પરેશાન

 વાંકાનેર તા.૧૮ : વાંકાનેરની એ ગ્રેડની સરકારી હોસ્પિટલમાં માત્ર એક ડોકટરથી હોસ્પિટલ ચાલે છે અને મોટી સંખ્યામાં દર્દીઓ પરેશાન જોવા મળે છે.

જાણવા મળતી વિગત મુજબ વાંકાનેર વિસ્તારમાં ઝાડા - ઉલ્ટી - તાવ જેવી ઋતુજન્ય બિમારીઓ ઉપરાંત સ્વાઇન ફલના પણ બે થી વધુ કેસો નોંધાયા છે. ઉપરાંત મિશ્રઋતુના પ્રભાવે ચકકર આવતા હોય તેવા અનેક દર્દીઓ સારવાર અર્થે આવી રહ્યા છે ત્યારે વાંકાનેરની અદ્યતન ચાર માળની હોસ્પિટલમાં અનેક સાધનો સુવિધાઓ હોવા છતા માત્ર એક ડોકટર હોઇ, આ હોસ્પિટલમાં ડોકટરોની નવ જગ્યા ખાલી છે તેમજ સ્ત્રી રોગની તબીબની પણ જગ્યા ઘણા સમયથી ખાલી છે. આ હોસ્પિટલમાં દરરોજ ૫૦૦ થી ૭૦૦ દર્દીઓ સારવાર માટે આવે છે જયારે ૪૦ થી ૫૦ જેટલા દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે. આ દર્દીની સંભાળ માટે ૪૦ નર્સ સ્ટાફ જોઇએ. ૨૪ કલાક ડયુટી માટે ૮ થી ૧૦ નર્સ સ્ટાફ હાલમાં છે. આમ નર્સ સ્ટાફની પણ વધુ જગ્યાઓ ખાલી છે. ફીમેલ સ્ટાફની પણ ખોટ વર્તાઇ રહી છે ત્યારે ગરીબ દર્દીઓ ડીલેવરી માટે દાખલ થાય છે તેની સારવાર માટેનો સ્ટાફ પણ અપુરતો છે. આમ એ ગ્રેડની હોસ્પિટલ એક માત્ર ડોકટર અને અપુરતા સ્ટાફ સાથે ચાલતી હોઇ દર્દીઓ કેટલા પરેશાન થતા હશે ? તે સમજી શકાય તેવી સ્વાભાવિક બાબત છે.

આ અદ્યતન હોસ્પિટલનો પ્રારંભ થોડા સમય પહેલા રાજયના ના.મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલના હસ્તે થયેલ ત્યારે વાંકાનેર શહેરમાં તેઓનુ ઠેરઠેર સ્વાગત કરાયુ હતુ. જે સ્વાગતમાં વાંકાનેર શહેર તથા ગ્રામ્યના ૧૦૦ ગામોના લોકો સરકારી હોસ્પિટલમાં રાજય સરકારના મંત્રી નીતીનભાઇને શુભેચ્છા પાઠવવા હાજર રહ્યા હતા ત્યારે આ તાલુકાની પ્રજાએ સરકારી હોસ્પિટલની આધુનીક સુવિધાઓને કારણે ઘણી અપેક્ષાઓ રાખી હતી. જે અપેક્ષાઓથી હાલ વિપરીત દશા હોસ્પિટલની સ્ટાફની ઓછપે જોવા મળી રહી છે. દર્દીઓ અને તેની સંભાળ રાખનારાઓને પીવાનુ પાણી પણ હોસ્પિટલ બહાર લેવા જવુ પડે છે.હાલ તો આ અદ્યતન હોસ્પિટલને શું રાજકારણ સ્પર્શી ગયુ છે કે શુ ? (૪૫.૭)

(11:55 am IST)