Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

કાળમુખા કોરોનાને કારણે યુવાન પુત્રનું મોતઃ માતા-પુત્રી સંક્રમિત

જુનાગઢના પીપળવા ગામના વિપ્ર પરિવાર પર વ્રજઘાત

(વિનુ જોશી) જુનાગઢ તા.૧૯ : કાળમુખા કોરોનાને કારણે યુવાન પુત્રનું મોત થતા અને માતા-પુત્રી સંક્રમિત થતાં પીપળવાગામના વિપ્ર પરિવાર પર વ્રજઘાત થયો છે.

કોરોનાએ દેશ-દુનિયામાં કાળો કેર મચાવ્યો છે. પોઝીટીવ કેસ સતત વધી રહયા છે. કોરોનાએ કેટલાય પરિવારોને છિન્ન ભીન્ન કરી નાંખ્યા છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના પીપળવા ગામના એક વિપ્ર પરિવારમાં ત્રણ સભ્યોએ કોરોનાએ ઝપટે લઇ પુત્રની જીંદગી છીનવી લેતા ગમગીની વ્યાપી ગઇ છે.

પીપળવા ગામે રહેતા કાન્તીલાલ મુળશંકર ઉપાધ્યાય નામના ભુદેવ યજમાન વૃતિ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. જયારે તેમનો ૩પ વર્ષીય પુત્ર રાહુલ પણ યજમાન વૃતિ કરી પરિવારને મદદરૂપ થતો હતો.

પરંતુ  છ દિવસ અગાઉ રાહુલ ઉપાધ્યાય પ્રાંચી ખાતે યજમાન વૃતિ દરમીયાન કોરોનાની ઝપટે ચડી ગયો હતો. તેમનો રિપોર્ટ કોરોના પોઝીટીવ આવતા તેમને વેરાવળ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલ. જયાં ગઇકાલે પાંચ દિવસના જંગમાં કોરોના સામે હારી જતા રાહુલભાઇએ અંતિમ શ્વાસ લીધા હતા.

કોરોનાએ રાહુલભાઇના માતા અને બહેનને પણ સંક્રમિત કરતા માતા-પુત્રી હોમ કવોરન્ટાઇન કરવામાં આવેલ છે.

આજે પીપળવાના વિપ્ર પરિવારના યુવાન કંધોતરને કોરોનાએ હણી લેતા સમગ્ર પરિવાર અને ગામ શોકમાં ગરકાવ થઇ ગયુ છે.

(12:58 pm IST)