Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

જેતપુર પંથક 'નમામિ દેવી નર્મદે'ના નાદથી ગુંજી ઉઠ્યુ

જેતપુર, તા. ૧૯ : જેતપુર તાલુકામાં છાપરવાડી ડેમ વાળાડુંગરા અને ખોડીયાર ચેકડેમ બોરડી સમઢીયાળા, ત્રિવેણી મંદિર પાસે કેરાળી, નિર્મળ તળાવ દેવકીગાલોલ અને નવાગઢ તળાવ જેતપુર ખાતે નમામિ દેવી નર્મદે ઉત્સવની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી અને વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા. આ પ્રસંગે છાપરવાડી ડેમ વાળાડુંગરા ખાતે આયોજીત કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ ભુપતભાઈ સોલંકી, તાલુકા વિકાસ અધિકારી નંદા કે.વી. વેલજીભાઈ સરવૈયા અને આગેવાનો સાથે શાળાની બાળાઓએ નમામિદેવી નર્મદા મૈયાની આરતી અને જળરાશીના વધામણા કર્યા હતા. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ ભુપતભાઈ સોલંકી, જણાવ્યુ હતું કે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ પૂર્ણ રીતે ઈતિહાસમાં પહેલીવાર મહત્તમ સપાટી સુધી પાણીથી છલોછલ ભરાઈ ગયો છે એ જળરાશી છેક સૌરાષ્ટ્રના ગામડા સુધી પહોંચે છે. તેવા આ ડેમના ભરાયાનો આનંદ ગુજરાતી તરીકે હરકોઈના હૈયે રહેલ છે. તાલુકા વિકાસ અધિકારી કે.વી.નંદા એ નર્મદા ડેમમાં આટલુ પાણી સંગ્રહ થયુ તે ક્ષણ ઐતિહાસિક છે અને તેની ઉજવણી કરીએ આપણા સૌની ગર્વની વાત છે. પછાત વર્ગ નિગમના ડીરેકટર વેલજીભાઈ સરવૈયા એ રાજય સરકાર અને કેન્દ્ર સરકારના સનિષ્ઠ પ્રયાસથી નર્મદા ડેમની ખુશી ગુજરાતની પ્રજાને પ્રાપ્ત થઈ છે તેમ જણાવેલ હતું. આ પ્રસંગે વારા ડુંગરા ગામ પ્રાથમિક શાળાની બાલિકાઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવેલ અને છાપરવાડી ડેમ ઉપર જળરાશીની પુષ્પાંજલી વધામણા સાથે નર્મદા મૈયાની મહાઆરતી કરવામાં આવી હતી અને દરેક ગામમાં નર્મદા ઉત્સવ રેલી સાંસ્કૃતિક કાર્યક્રમ અને વૃક્ષારોપણ કરવામાં આવેલ. છાપરવાડી ડેમ ખાતે આયોજીત કાર્યક્રમમાં અગ્રણી ભુપતભાઈ સોલંકી, વેલજીભાઈ સરવૈયા, તાલુકા વિકાસ અધિકારી કે.વી.નંદા મેવાસા સરપંચ રમેશભાઈ વઘાસીયા, વાલાડુંગરા સરપંચ રોહિતભાઈ સોલંકી, વી.એ.ટીલાળા, આઈ.બી. અધિકારી સી.એમ. મકવાણા, ઈરીગેશન અધિકારી ભુવા તથા જાની તલાટી મંત્રી પ્રાથમિક આચાર્ય સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.(૩૭.૯)

(12:28 pm IST)