Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

જોડીયા તાલુકાના તમામ રસ્તાઓ ધોવાઈ ગયાઃ ગ્રામજનો હેરાન - પરેશાન : અકસ્માતનો ભય

તાલુકા પંચાયત સોનલબેન વાંકની મુખ્યમંત્રીને રજૂઆત : તાત્કાલીક રસ્તા રીપેર કરાવો

જોડીયા, તા. ૧૯ : જોડીયા તાલુકા પંચાયતના સોનલબેન વાંકે મુખ્યમંત્રીને રજૂઆતમાં અતિભારે વરસાદના કારણે જોડીયા તાલુકાના તમામ રોડ - રસ્તાઓ ધોવાઈ ગયેલ છે તે રીપેર કરવા અથવા નવા બનાવવા બાબતે જણાવેલ છે.

જોડીયાએ તાલુકા મથકનું મુખ્ય ગામ છે. ગુજરાતના દરેક તાલુકા મથકમાં પ્રધાનમંત્રી સડક યોજનાનો લાભ આપવામાં આવેલ છે. પરંતુ જોડીયા તાલુકા મથકનું ગામ હોય, આજ દિવસ સુધી પ્રધાનમંત્રી સડક યોજનાનો લાભ મળેલ નથી. તેમજ તાજેતરમાં અતિ ભારે વરસાદ થવાને કારણે જામનગરથી કચ્છ - કંડલાને જોડતો કોસ્ટલ હાઈવે ધોવાઈ ગયેલ છે. ભાદરા પાટીયાથી કેશીયા, બાલંભા, મોરાણા, તારાણા, દુધઈથી આમરણ સુધી કોસ્ટલ હાઈવે અતિ બિસ્માર હાલતમાં છે. આ હાઈવે જોડીયા તાલુકાના ગામોને તથા કચ્છ - કંડલા જેવા જિલ્લા શહેરોને જોડતો હોય, જેથી આ હાઈવે પર વાહનવ્યવહાર ઘણો જ રહે છે. પરંતુ ભારે વરસાદના કારણે થયેલ રસ્તા નુકશાનનીને કારણે વાહન વ્યવહારમાં અતિ મુશ્કેલી થાય છે. તેમજ સમય પણ ઘણો જ બગડે છે. આ હાઈવે પર આવતા કોઝવેમાં પૂરના પાણી આવવાથી તે અતિ બિસ્માર હાલતમાં છે જેના કારણે અકસ્માતનો પણ ખતરો રહે છે. તેમ રજૂઆતમાં જણાવેલ છે.

(12:25 pm IST)