Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

આવતા ૮-૯ દિવસ મેઘાવી માહોલ : છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ખાબકશે

ઉપરાઉપરી બે સિસ્ટમ્સ વરસાદ લાવશેઃ અલગ - અલગ દિવસે છુટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ - ભારે વરસશે : સૌરાષ્ટ્ર - દ.ગુજરાતમાં વધુ અસર કરશે

રાજકોટ, તા. ૧૯ : ફરી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. છુટાછવાયા સ્થળોએ કયાંક - કયાંક ગાજવીજ સાથે વરસી જાય છે. દરમિયાન આવતા આઠથી નવ દિવસ વરસાદી એકટીવીટી જોવા મળશે. બે-બે સિસ્ટમ્સની સંયુકત અસરથી દરરોજ નહિં પણ છુટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ ભારે તો કોઈ જગ્યાએ અતિભારે વરસાદ પડશે.

હવામાનની એક ખાનગી સંસ્થાએ જણાવ્યુ છે કે ગઇ કાલે આંધ્રપ્રદેશ લાગુ બંગાળની ખાડી માં લો પ્રેસર થયેલ.મુખ્યત્વે પશ્ચિમ ઉતર પશ્ચિમ તરફ ચાલશે.

તા.૨૦ આસપાસ નોર્થ કોંકણ અને દક્ષિણ ગુજરાત લાગુ અરબ સાગર આસપાસ છવાશે. બાદ ૪૮ કલાક માં એટલે કે તા.૨૨ સુધી માં ઉતરોતર મજબુત બનીને ડીપ્રેસન સ્વરુપે છવાય તેવી શકયતા છે.

જયારે અમેરીકન મોડલ અને યુરોપીયન મોડલ વચ્ચે મતમતાંતર છે. યુરોપીયન મોડલ પ્રમાણે વાવાઝોડું સૌરાષ્ટ્ર ના દરિયા કિનારા નજીક થી પસાર થઇને ઓમાન બાજુ ગતિ કરે તેવી શકયતા દર્શાવે છે.

હાલ સિસ્ટમની અસર ગઇકાલથી જોવા મળી રહી છે. તા.૧૯ થી ૨૮ સુધીમાં દક્ષિણ, પુર્વ, મધ્ય, ઉતર ગુજરાતના ભાગો તેમજ સૌરાષ્ટ્ર , કચ્છના ભાગોમાં અલગ અલગ દિવસે અલગ અલગ છુટા છવાયા વિસ્તારો માં ગાજવીજ સાથે વિસ્તાર પ્રમાણે હળવો. મધ્યમ, ભારે, અતિભારે વરસાદ પડશે. વધુ અસર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જોવા મળશે. દિવસોમાં વરસાદ ની માત્રા અને વિસ્તારમાં વધ-ઘટ જોવા મળશે. એકંદરે રાજયના વિસ્તારોમાં કટકે કટકે સારો વરસાદ જોવા મળશે.

ઉપરા ઉપરી બે લો પ્રેસર ની અસર થી વરસાદ નો રાઉન્ડ જોવા મળશે. તા.૨૩/૨૪ આસપાસ આંધ્રપ્રદેશ લાગુ બંગાળ ની ખાડી માં બીજુ લો પ્રેસર બનશે. આમ બન્ને સિસ્ટમ્સની અસરથી વરસાદી માહોલ જોવા મળશે.

હાલની સિસ્ટમ્સ મજબુત થવાની શકયતા હોય હવામાન વિભાગ ની સુચનાનું પાલન કરવું.

(11:40 am IST)