Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

બાયોમેડીકલ વેસ્ટ અને તબીબી સેવાઓમાં ખામીને મુદ્દે કાયદાની આકરી જોગવાઈ દર્શાવી પ્રદુષણ બોર્ડે ભુજની ખાનગી હોસ્પિટલનો ખુલાસો પૂછયો

મેડિકલ વેસ્ટ ખાતી ગાયના વાયરલ થયેલ વીડિયોને પગલે કલેકટરે આપેલ તપાસના આદેશો બાદ ભુજની મલ્ટી સ્પેશ્યાલિટી વાયેબલ હોસ્પિટલને ખામીઓ બદલ કાર્યવાહી

ભુજ, તા.૧૯: ભુજના હોસ્પિટલ રોડ ઉપર નગરપાલિકાની કચરા પેટીમાં ફેંકાયેલ લોહીની બેગને ગૌમાતા ખાઈ રહી છે એવા વાયરલ થયેલા વિડીઓએ અન્ય મેડિકલ વેસ્ટ તરફ પણ સોશ્યલ મીડિયામાં ધડબડાટી મચાવી દીધી. જાગૃત મીડીયા કર્મી દ્વારા કલેકટરનું ધ્યાન દોરાયું મોટી હોસ્પિટલની બેદરકારી જોઈને ચોકી ઉઠેલા કલેકટર રેમ્યા મોહને લોકોના આરોગ્ય ઉપર ઝળુંબંતુ જોખમ નિહાળીને એક કમિટી રચી તપાસ સોંપી. ગુજરાત પ્રદુષણ બોર્ડના ડાયરેકટર શ્રી મિસ્ત્રીએ આ કમિટીના તા/૨૭/૬/૧૯ ના ઇન્સપેક્ષન રિપોર્ટને આધારે કડક નોટિસ પાઠવી છે, તેમાં વાયેબલ હોસ્પિટલની ગંભીર બેદરકારીનો કરેલો ઉલ્લેખ ચોંકાવી મૂકે તેવો છે. કેન્દ્ર અને રાજય સરકારની બાયો મેડિકલ વેસ્ટ મેજમેન્ટ હેઠળની કલમો ટાંકીને અપાયેલ નોટિસમાં સ્પષ્ટતા કરાઈ છે કે, દરેક હોસ્પિટલે કલેકશન, રિસેપશન,સ્ટોરેજ, ટ્રીટમેન્ટ ટ્રાન્સપોર્ટેશન અને ડીસપોઝલ ના કામમાં તકેદારી રાખવાની હોય છે. પણ, તપાસ સમિતિ દ્વારા વાયેબલ હોસ્પિટલની તપાસ દરમ્યાન બ્લડ યુનિટ પાલિકાની કચરાપેટીમાંથી મળ્યા, હોસ્પિટલની અગાશી ઉપરથી એકસપાયરી ડેટની દવાઓનો જથ્થો મળી આવ્યો, IEV સેટ અને નિડલ અનકટ મળી આવ્યા,  હોસ્પિટલમાં કચરો ત્રણ અલગ અલગ કલરની ડોલમાં એકઠો કરવાનો હોય છે, પણ વાયેબલ હોસ્પિટલમાં એવું થતું નહોતું,  આમ તો, મેડિકલ સર્વિસના નામે મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ દ્વારા તગડા રૂપિયા દર્દીઓ પાસેથી એડવાન્સમાં જ લેવાય છે, પણ હોસ્પીટલનો સ્ટાફ ટ્રેનિંગ વગરનો હતો ર્ં દર્દીઓના મેડિકલ રિપોર્ટની ફાઈલ બનાવવાનો આગ્રહ રાખતી હોસ્પિટલમાં હેલ્થ ચેકઅપનો કોઈ રેકોર્ડ નહોતો, ર્ં બાયોમેડીકલ વેસ્ટના નિકાલ માટેની કોમન સર્વિસ હોવા છતાંયે હોસ્પિટલ દ્વારા તેનો ઉપયોગ કરાતો નહોતો ર્ં હિપેટાઇટિસ બી અને ટીટનસની રસી અંગેનો રેકોર્ડની અધૂરાશ સહિતનો નોટિસમાં ઉલ્લેખ કરાયો છે.

પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા વાયેબલ હોસ્પિટલને ૩૦ દિવસમાં જો યોગ્ય ખુલાસો નહીં કરાય તો કાયદા અંગેની સજાની જોગવાઈનો ઉલ્લેખ કરીને અપાયેલ ચીમકીએ ખળભળાટ સજર્યો છે. જેમાં હેલ્થકેર ના કાયદાનો ભંગ કરવા બદલ જેલની સજા થઈ શકે છે તેવું જણાવીને રોકડ એક લાખનો દંડ તેમ જ બન્ને થઈ શકે તેવી ચીમકી દર્શાવાઇ છે. જોકે, દરરોજ નો ૫ હજાર દંડ થઈ શકે તેવું દર્શાવીને હોસ્પિટલની સેવાઓ બંધ કરવાનો અને નવા દર્દીઓ દાખલ કરવાની મનાઈ સહિતનો ઉલ્લેખ કરીને પ્રદુષણ બોર્ડ દ્વારા યોગ્ય ખુલાસો માંગીને જન આરોગ્ય અંગે હોસ્પિટલની બેદરકારી સામે કાયદાનો ધોકો પછાડ્યો છે.

(11:30 am IST)