Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

ટંકારાના જોધપર ઝાલા ગામે દારૂની રેડ કરવા ગયેલ પોલીસ પર હૂમલો કરનાર વધુ છ પકડાયા

બુટલેગરના સાગ્રીતો અમૃત કોળી, જસમત સોઢા, પરાક્રમસિંહ ઝાલા, ભવાન કોળી, મહાવીરસિંહ તથા કુલદીપસિંહ જાડેજાની ધરપકડઃ આકરી સરભરા કરાઇ

મોરબી તા. ૧૯ :.. ટંકારાના જોધપર ઝાલા ગામે દારૂની રેડ કરવા ગયેલી પોલીસ ટીમ પર હૂમલો કરવાના ગુન્હામાં બુટલેગર સહિત બે ઝડપાયા બાદ તેના વધુ છ સાગ્રીતોને પોલીસે ઝડપી લીધા હતાં.

પ્રાપ્ત વિગતો મુજબ ટંકારાના જોધપર ઝાલા ગામે બુટલેગર દ્વારા દારૂનો જથ્થો મંગાવ્યો આ દારૂનો જથ્થો એક મકાનમાં રાખ્યો હોવાની બાતમીને પગલે ટંકારા પોલીસની ટીમ રેડ કરવા પહોંચી હતી જોકે પોલીસની ટીમ દારૂનો મુદામાલ જપ્ત કરી તેમજ પ્રોહીબીશન કેસ ના કરી સકે તે માટે બુટલેગરોએ ધોકા, પાઈપ જેવા હથિયારોથી હુમલો કરી દીધો હતો જે બનાવમાં પાંચ પોલીસ કર્મચારીઓને ઈજા થતા સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા હુમલા બાદ બુટલેગરો નાસી ગયા હતા બનાવ અંગે ટંકારા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી વિક્રમભાઈ લાભુભાઈ કુગસીયાએ ફરિયાદ નોંધાવી એક મહિલા સહિત ૧૧ શખ્સો સામે ફરિયાદ નોધાવી હતી જે ફરિયાદ બાદ પોલીસે વધુ તપાસ ચલાવી હતી અને આરોપી જયપાલસિંહ પ્રવીણસિંહ ઝાલા અને પ્રદીપસિંહ પ્રવીણસિંહ ઝાલા રહે બંને જોધપર ઝાલા તા. ટંકારા વાળાને એલ.સી.બી ટીમે ઝડપી લીધા હતા પોલીસ પર હુમલો કરવાના ગુન્હામાં ઝડપાયેલ આરોપી જયપાલસિંહ પ્રવીણસિંહ ઝાલા અગાઉ ટંકારા પોલીસ મથકમાં પ્રોહીબીશન વેચાણના ગુન્હામાં તથા ઇંગ્લીસ દારૂ વેચાણ અને હેરફેરના ગુન્હામાં પકડાયેલ છે.

દરમિયાન ગત મોડી રાત્રે ટંકારા પોલીસ મથકના પી.એસ.આઈ એલ.બી.બગડા સહિતની ટીમે અમૃત ઉર્ફ અમરૂ જીવણભાઈ કોળી, જસમત સોઢા, પરાક્રમસિંહ મહિપાલસિંહ ઝાલા, ભવાન અમુત કોળી, મહાવીરસિંહ રણજીતસિંહ, અને કુલદીપસિંહ દેવુભા જાડેજા સહિતના છ આરોપીને ઝડપી પાડ્યા હતા આમ કુલ આઠ આરોપીન પોલીસ ધરપકડ કરી છે અને અન્ય આરોપીને ઝડપવા તેમજ અન્ય કોઈ આ ધટનામાં સામેલ છે કે નહી તેની વધુ તપાસ હાથ ધરાઇ છે. તેમજ પકડાયેલ તમામ શખ્સોની આકરી સરભરા કરી કાયદાનું ભાન કરાવાયું હતું.

(11:18 am IST)