Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

વાંકાનેરના પીપળીયારાજ ગામે ચુંટણીના વેરઝેરમાં ધોકા ઉડયાઃ સામસામી ફરીયાદ

વાંકાનેર તા.૧૯: તાલુકાના પીપળીયારાજ ગામે ચુંટણીના મનદુઃખના કારણે મુમના કોમના બે જુથો વચ્ચે ધોકા ઉડતા પોલીસમાં સામસામી ફરીયાદો થઇ છે.

જાણવા મળતી વિગતો મુજબ ફરીયાદી ગાજીભાઇ જલાલભાઇ કડીવારને મકાનમાં લાઇટ કનેકશનની જરૂરીયાત ઉભી થતા તેઓ ગ્રામ પંચાયતે દાખલો લેવા ગયા હતા ત્યારે સરપંચ પતિ મહેબુબ આહમદ કડીવાર, જુબેર મહેબૂબ કડીવારેએ ફરીયાદી ગાજીભાઇને ગાળો આપી કહેલ કે ''ગઇ ચુંટણીમાં અમોને, તમોએ સહકાર આપેલ ન હોઇ, દાખલો મળશે નહી'' તેમ કહીને ફરીયાદીના મોઢા પર ચપ્પલો મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આરોપી મહેબુબ પંચાયતનો સભ્ય અને મહિલા સરપંચનો પતિ હોઇ, જયારે આરોપી જુબેર સહકારી મંડળીનો મંત્રી છે. તેના સામે પોલીસે આઇપીસી કલમ ૩૨૩,૫૦૪,૫૦૬/૨,૧૧૪ મુજબનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

જયારે સામા પક્ષે જુબેર મહેબુબભાઇ કડીવાર (પીપળીયા રાજ)એ ગાજી જલાલ કડીવાર, તથા ગોજી જલાલનો પુત્ર તથા હનીફ જલાલના પુત્ર વિરૂધ્ધ આ કામના આરોપીઓ સહકારી મંડળીમાં ખાતર લેવા આવતા અને ૫૦ થેલી ખાતર માંગતા ફરીયાદી જુબેરે કહેલ કે ''સ્ટોક ઓછો હોઇ, ખાતરની થેલીઓ અન્યોને પણ આપવી પડે''તેમ કહેતા આરોપીઓ ઉશ્કેરાઇ જઇ, જણાવેલ કે ''તમો એ દાખલો પણ આપેલ નહી, મંજુરી પણ આપેલ નહી અને ખાતર માટે પણ ગલ્લા તલ્લા કરો છો'' ત્યારે આરોપી નં.૨, એ ફરીયાદી જુબેરને લાકડી મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા વાંકાનેર તાલુકા પોલીસમાં આઇપીસી ૩૨૩,૫૦૪,૫૦૬,૧૧૪ મુજબ ગુનો દાખલ કરી તિથવા આઉટપોસ્ટના જમાદાર તથા તાલુકા પીએસઆઇ ગઢવીએ તમામ આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(11:34 am IST)