Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

પોતાને છરી વાગવા છતાં પણ જૂનાગઢ એ ડીવીઝનનાં પી.આઇ. એમ. એ. વાળાએ દર્શાવી માનવતા

તા. ૩૦ જુને પો. ઇન્સ. વાળા થશે નિવૃત : ઇજાગ્રસ્ત યુવાનને હોસ્પિટલ પહોંચાડયો અને એક હુમલાખોરને પકડી લીધો

જુનાગઢ તા. ૧૯: પોલીસની છાપ સમાજમાં વિભિન્ન રહેલ છે. પરંતુ જુનાગઢ એ ડીવીઝનનાં પી.આઇ. એમ. એ. વાળાએ પોતાને છરી વાગવા છતાં પણ માનવતા દર્શાવી ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે પહોંચાડયો હતો.

તેમજ એક હુમલાખોરને પકડી લઇ તેને કસ્ટડી હવાલે કર્યો હતો. આવી પી. આઇ. વાળાની ફરજ અને માનવ સેવાની ચોમેર પ્રસંશા થઇ રહી છે.

તાજેતરમાં જૂનાગઢનાં કાળવા ચોક ખાતે ૭ થી ૮ શખ્સો મોડી રાત્રીનાં મારામારી કરતાં હતા. આ દરમ્યાન નાઇટ પેટ્રોલીંગમાં નીકળેલા પી.આઇ. એમ. એ. વાળા પળભરનો વિલંબ કર્યા વગર ઝઘડી રહેલા શખ્સોને વિખેરવા દોડી ગયા હતા.

આ હુમલાખોરોએ સાજીદ અનવરખાન નામના યુવાનને નીચે પછાડી તેનાં ઉપર છરી વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી.

સાજીદને બચાવવા માટે પી.આઇ. વાળા વચ્ચે પડતા તેને એક શખ્સે છરી ઝીંકી દીધી હતી. જેમાં શ્રી વાળાને છાતીનાં ભાગે ઇજા પહોંચી હતી.

ઇજાગ્રસ્ત હાલતમાં પી.આઇ. વાળાએ પોતાની પરવા કર્યા વગર સાજીદને પોતાના વાહનમાં સારવાર માટે ખસેડયો હતો અને વિપુલ રાજાને પકડી લઇ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો.

માનવ સેવા સાથે ઉમદા ફરજ બજાવનાર પી.આઇ. શ્રી વાળાની આઇજીપી શ્રી સુભાષ ત્રિવેદી અને એસ.પી. શ્રી સૌરભસિંઘે હોસ્પિટલ ખાતે મુલાકાત લઇ તેમની પ્રસંશા કરીને પીઠ થાબડી હતી.

જવામંર્દ પોલીસ અધિકારી એમ. એ. વાળા ૩૦ જુનનાં રોજ નિવૃત થઇ રહ્યા છે. તેઓએ ફરજકાળ દરમ્યાન અનેક ગુનાનું ડિટેકશન કરવાની સાથે સંખ્યાબંધ ગુનેગારોને કાયદાનાં સકંજામાં લઇ ઉમદા ફરજ બજાવી છે.

નિવૃતી પહેલાનાં દિવસોમાં પણ શ્રી વાળા ફરજની સાથે માનવ કર્તવ્ય બજાવી હિરો બની ગયા છે.

જો પીઆઇશ્રી વાળાએ આ પ્રકારની કામગીરી ન કરી હોત તો લોહીયાળ જંગ ખેલાત.

(1:07 pm IST)