Gujarati News

Gujarati News

News of Friday, 19th May 2023

જામનગર જિલ્લામાં માછીમારોને પ્રાદેશિક જળ વિસ્તારની બહાર માછીમારી કરવા અંગે જાહેરનામું

જામનગર તા.૧૯: જિલ્લાની તમામ મત્સ્યોદ્યોગ સહકારી મંડળીઓ/ એસોસિયેશનના હોદ્દેદારો, માછીમાર આગેવાનો, બોટ માલિકો અને તમામ માછીમારો માટે કેન્દ્ર સરકારશ્રીના મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલય, દિલ્હીના હુકમથી પ્રાદેશિક જળ વિસ્તારની બહાર Indian Excllisove Economic Zone (EEZ) માં ફિશિંગ બેન જાહેર કરવામાં આવ્યો છે. ઉપરોકત આધાર-૨ મુજબના જાહેરનામાં માંથી રાજયમાં ફિશિંગ બેનના સમયગાળામાં ફેરફાર જાહેર કરવામાં આવ્યો છે.

 

જે અન્વયે, મત્સ્યોદ્યોગ નિયામકશ્રી, ગાંધીનગરના આધાર-૩ ના પરિપત્રમાં જણાવ્યા અનુસાર, ગુજરાત રાજયના દરિયાઈ કાંઠાના પ્રાદેશિક જળ વિસ્તારમાં આગામી તા. ૧ જૂનથી તા. ૩૧ જુલાઈ સુધી યાંત્રિક બોટો દ્વારા થતી આંતરદેશીય તથા પ્રાદેશિક જળ ક્ષેત્રમાં માછીમારી પર પ્રતિબંધ મુકવામાં આવે છે. તેમજ, પશ્ચિમ દરિયાઈ કાંઠા વિસ્તારમાં અને જામનગર જિલ્લામાં દરિયાઈ કાંઠાના પ્રાદેશિક જળ વિસ્તારમાં આગામી તા.૧/૦૬/૨૦૨૩ થી ૩૧/૦૭/૨૦૨૩ સુધી યાંત્રિક બોટો દ્વારા થતી આંતરદેશીય તથા પ્રાદેશિક જળ ક્ષેત્રમાં માછીમારોને માછીમારી કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.  આ હુકમમાંથી નોન મોટરાઈઝડ ક્રાફટ, લાકડાંની બિન યાંત્રિક એક લકડી હોડી, શઢવાળી હોડી તથા પગડીયા માછીમારોને બાકાત રાખવામાં આવે છે. ઉપરોકત પ્રતિબંધાત્મક આદેશનો ભંગ કરનારી વ્યકિત સામે ગુજરાત મત્સ્યોદ્યોગ કાયદો-૨૦૦૩ ની કલમ- ૬/૧ (ટ) ના ભંગ બદલ કલમ- ૨૧/૧ (ચ) મુજબ સજાને પાત્ર થશે. તેમ મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકશ્રી, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

 

(2:30 pm IST)