Gujarati News

Gujarati News

News of Tuesday, 19th May 2020

ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીની આજે જન્મજયંતી

ભાવનગરઃ મહારાજા ભાવસિંહજી બીજા (ઈ.સ. ૧૮૯૬ થી ૧૯૧૯) ના પ્રથમ લગ્ન દેવગઢ બારિયાના કુંવરી  દેવકુંવરબા સાથે ઈ.સ.૧૮૯૧માં થયા હતા. મહારાણી દેવકુંવરબાની કુખે એક દીકરીનો જન્મ થયો.  જેનું નામ મનહરકુંવરબા. ઈ.સ. ૧૯૦૩માં મહારાણી દેવકુંવરબાનો સ્વર્ગવાસ થયો. ભાવસિંહજી એક  પત્નીવ્રતમાં માનતા હોવાથી બીજા લગ્ન કરવા તૈયાર થતા નથી. નજીકના વર્તુળ દવારા-પોતાને  એકપણ કુંવર નથી, રાણી સાહેબાની હયાતી નથી, રાજય માટે વારસદાર જોઈએ. વગેરે મુદ્દાઓ દ્વારા  સમજાવવા પ્રયાસ થયો. બાદમાં ખીરસરાના નંદકુંવરબા સાથે ઈ.સ. ૧૯૦૫માં લગ્ન કર્યા. મહારાણી  નંદકુંવરબાણની કુખે તા.૧૯-૫-૧૯૧૨ સવંત ૧૯૬૮ જેઠસુદ ત્રીજને શનિવારના રોજ એક પુત્ર રત્નનો  જન્મ થયો તે આપણા મહામાનવ કૃષ્ણકુમારસિંહજી, બીજા કુંવર નિર્મળકુમારસિંહજી અને ત્રીજા કુંવર  ધર્મકુમારસિંહજી (આંતર રાષ્ટ્રીય પક્ષીવિદ) આમ ત્રણ કુંવરો અવતર્યા.  

કુંવરી મનહરકુંવરબાના લગ્ન ઈ.સ. ૧૯૧૨માં પન્ના (એમ.પી.)ના કુંવર યાદવેન્દ્રસિંહજી સાથે  થયલ તે જ વર્ષે કૃષ્ણકુમારસિંહજીનો જન્મ થયો. આ બંને શુભ પ્રસંગોની યાદમાં ભાવનગરમાં રાજપૂત  વિદ્યાર્થીઓમાં કેળવણી અને નિવાસ અર્થે શ્રી મનહરકુંવરબા રાજપૂત વિદ્યાલય નામે એક સંસ્થા શરૂ  કરવામાં આવેલ જે આજે નવાપરા, ભાવનગર ખાતે કાર્યરત છે.  

કૃષ્ણકુમારસિંહજીએ શરૂઆતમાં નીલમબાગ ખાતે ખાનગી ટ્યુટરથી ત્યારબાદ રાજકોટની  રાજકુમાર કોલેજમાં અને ઈંગ્લાંડની પ્રખ્યાત 'હેરો' શિક્ષણ સંસ્થામાં શિક્ષણ મેળવ્યું. 'હેરો'ના ત્રણ  વર્ષના અભ્યાસ પછી ૧૬ વર્ષની ઉંમરે ભાવનગર પરત પધાર્યા.  

'હેરો'માં અભ્યાસ લીધા પછી ભાવનગરની શામળદાસ કોલેજના આચાર્ય ટી.કે.  શહાણીના રાજયશાસ્ત્રના તથા અન્ય અધ્યાપકોના તાસ નિયમિત રીતે ભરતા. રજીસ્ટર થયેલા વિદ્યાર્થી  નહિ પણ પોતાના શોખ ખાતર કેળવણી મેળવવા તાસ ભરનારા અનોખા વિદ્યાર્થી.   

કૃષ્ણકુમારસિંહજીના ઘડતરમાં દેશ લેવલના નેતાઓના ભાવનગર રાજય સાથેના મધુર સંબંધોએ  ભાગ ભજવ્યો હતો. તે અંગેનું એક ઉદાહરણ ભાવનગરમાં ગાંધીજી સાથે કૃષ્ણકુમારસિંહજીની પ્રથમ  મુલાકાત ઈ.સ. ૧૯૨૫ જાન્યુઆરીમાં કાઠીયાવાડ રાજકીય પરિષદના ત્રીજા અધિવેશનમાં ગાંધીજીનું  પ્રમુખસ્થાન-તે અંગે ગાંધીજી ભાવનગર આવ્યા. તે સમયે કૃષ્ણકુમાસિંહજીની ઉંમર ૧૩ વર્ષની હતી.  ગાંધીજી સાથેની મુલાકાતનો પ્રસંગ નોંધતા કૃષ્ણકુમારસિંહજી કહે છે.   

મારા બાળપણમાં ગાંધીજી ભાવનગર આવ્યા હતા. ત્યારે પટ્ટણી સાહેબે મને કહ્યું કે મારે  ગાંધીજીને મળવા માટે તેમના ઉતારે જવું જોઈએ. મેં તરત હા પાડી. પછી ગાંધીજી સાથે વાત કર્યા બાદ તે સાંજે આવીને પટ્ટણી સાહેબે કહ્યું-આપણે ગાંધીજીને મળવા માટે ઉતારે જવાનું નથી. ગાંધીજી ના કહે  છે. પોતે જ આપને મળવા નીલમબાગ આવશે. તેમનું કહેવાનું છે કે ભલે બાળક હોય તો પણ તે  મહારાજા છે. તેમના ગામમાં આવવું અને ઇચ્છવું કે તે સામે આવીને મને મળવા આવે તે નર્યા અવિવેક  કહેવાય'. ગાંધીજીનો આ જવાબ સાંભળીને મારું બાળમાન ખુબ પ્રભાવિત થયું અને તેમના પ્રત્યેના મારા  આકર્ષણના પગરણ ત્યાંથી મંડયા. સાથો સાથ મને એ પણ શીખવા મળ્યું કે વિનય તે વગર ખર્ચે  મેળવી શકાતો ખજાનો છે. 

કૃષ્ણકુમારસિંહજીના લગ્ન ગોંડલના યુવરાજ શ્રીભોજરાજસિંહજીના કુંવરી શ્રી વિજયાબા સાથે તા. રર-૪- ૧૯૩૧ બુધવાર વૈશાખસુદ-૪ સવંત ૧૯૮૭ના રોજ થયા હતા. લગ્ન પહેલા તા. ૧૮-૪-૧૯૩૧ના રોજ  રાજયાભિષેક દરબાર હોલ (ટાઉનહોલ)માં થયો. લગ્ન બાદ ટાઉનહોલ પ્રજાના ઉપયોગ માટે  મ્યુનિસિપાલટીને અર્પણ કર્યો.   

અમેરિકાની પ્રખ્યાત સંસ્થા એમ.આઈ.ટી.માં ભણવા આવતા વિદ્યાર્થીઓ અંગે સર્વે થયો. (ઈ.સ.  ૧૮૮૦ થી ૧૯૪૭) જેમાં ઈ.સ. ૧૯૩૦ થી ૧૯૪૭ સુધીમાં ભારત ભરમાંથી આવેલા વિદ્યાર્થીઓના ૩૩  ટકા વિદ્યાર્થીઓ ભાવનગર રાજયના હતા. કારણ મળ્યું મહારાજાનો અંગત રસ-માર્ગદર્શન-સહાય.    આવો હતો મહારાજા સાહેબનો ઉચ્ચ કેળવણી અંગેનો દ્રષ્ટિકોણ.    કૃષ્ણકુમારસિંહજીએ દરેક ક્ષેત્રમાં પોતાની કાબેલિયતના દર્શન આપણને કરાવ્યા છે. તેમણે કોઈ  ક્ષેત્ર છોડ્યું નથી. પ્રજા પરિષદ, ગ્રામ પંચાયતની વ્યવસ્થા, પાણી શુધ્ધિકારણ પ્લાન્ટ. (ઈલેટરીક વગર  ચાલે તેવો ગુજરાતમાં સર્વ પ્રથમ) મ્યુનિસિપાલટીની વ્યવસ્થા ભારત ભરમાં સર્વ પ્રથમ, ગીરગાયની  ઓલાદ અંગે કાળજી, કબૂતરોની ટ્રેઈનીંગ, વ્યાયામ પ્રચારમંડળ, આરોગ્ય સુવિધા, આધુનિક બેંક  વ્યવસ્થા, દેવાનાબુદી, જમીન સુધારણા ફંડ, છાત્રાલયો, પુસ્તકાલયો, ફરતા પુસ્તકાલયો, શિષ્યવૃત્ત્િ।,  સ્કાઉટીંગ પ્રવૃત્ત્િ।, લેખકોના પ્રોત્સાહન માટે ગ્રન્થોતેજક ફંડ આવા તો આર્થિક, વહીવટી, પ્રજાકલ્યાણના  અનેક કાર્યો કર્યા. સૌથી અગત્યનું કાર્ય દેશી રાજયોના વિલીનીકરણમાં ભારતભરના ૫૬૨ દેશી રાજયોમાં  સૌપ્રથમ પોતાનું રાજય તમામ માલ-મિલકત-રોકડ રકમ સહીત ભારત માતાના ચરણોમાં સમર્પિત કરી  વલ્લભભાઈ અને ગાંધીજીનું કામ સરળ કરી આપ્યું. ભારતના સ્વાતંત્રીય ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે આ  ઘટના આલેખાઈ ગઈ. 

તેમનું આખું જીવન પરોપકાર માટે હતુ તે કહેતા તમે ગમે તેવા મોટા થાવ પણ માનવ રહેજો.  તેમના વારસદારોમાં મોટા કુંવર વીરભદ્રસિંહજી તેમના લગ્ન રાજસ્થાનના કરૌલીના કુંવરી  બ્રિજરાજનંદીની દેવી સાથે થયા હતા. બીજા કુંવર મહારાજ કુમાર શિવભદ્રસિંહજી તેમના લગ્ન  વાંકાનેરના કુંવરી નલીનીદેવી સાથે થયા હતા. ત્રણ દીકરીઓ, મોટા હંસાબા (અજયગઢ), બીજા  દિલહરબા (પન્ના, મનહરકુંવરબાના પૌત્ર સાથે લગ્ન થયા.) સૌથી નાના રોહિણીબા (કચ્છ).       

તા.૧/૪/૬૫ નારોજ રાત્રીના મોડા સુધી ભજનના કાર્યક્રમમાં હાજર રહ્યા. જેસલ-તોરલ વગેરે  ભજનો સાંભળ્યા. તા.૨-૪-૧૯૬૫ ના રોજ પર વર્ષ, ૧૦માસ્ અને ૧૩ દિવસનું આયુષ્ય ભોગવી  મહામાનવે અનંતની વાટ પકડી. તેનું દેહાવસાન થયું અને અમર બનીગયાં. આપણે તેમણે વચન  આપીએ કે આપને લાંછન લાગે તેવું એકપણ કાર્ય નહિ કરીએ. આ પ્રમાણે વર્તન કરીશું તો તેમને સાચી  શ્રધ્ધાંજલિ આપી ગણાશે.(૯.૩)  

(12:58 pm IST)