Gujarati News

Gujarati News

News of Tuesday, 19th May 2020

વધુ ૩ દર્દીઓને પગલે કચ્છના ૯ ગામડાઓમાં સોંપો : નલિયામાં પણ પ્રવેશબંધી : નવા ૨૬ દર્દીઓ બહારના

ભુજની બહુચર્ચિત તબીબ યુવતીને ચૂપચાપ રજા : હજી ૮૬ સેમ્પલ પેન્ડિંગ

ભુજ તા. ૧૯ : કચ્છમાં ફરી બહારના દર્દીઓને પગલે કોરોનાએ હાજરી પુરાવી છે. ગઈકાલે બહારથી આવનારા વધુ ૩ જણાને કોરોના પોઝિટિવ હોવાનું જાહેર કરાયું હતું. તેમાં એક નાના બાળક સહિત બે મહિલાઓ છે.

 જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નરના જણાવ્યા પ્રમાણે વરસામેડી, નવાગામ, બુઢારમોરાના ત્રણ દર્દીઓનો કોરાના પોઝિટિવનો રિપોર્ટ આવ્યો છે. આ દર્દીઓમાં વરસામેડી (અંજાર)ની ૨૭ વર્ષની મહિલા, બુઢારમોરા (અંજાર)નો ત્રણ વર્ષનો બાળક અને નવાગામ (ભચાઉ)ની ૧૯ વર્ષની યુવતીનો સમાવેશ થાય છે. આમ, કચ્છમાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંક વધીને ૩૩ નો થયો છે.

જેમાં ૨૬ દર્દીઓ બહારથી આવનારા છે. જે રેડઝોનમાંથી કચ્છ આવ્યા હોઇ કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાં ફફડાટ છે.ઙ્ગ કોરોના પહેલાં જે ગામો રાબેતા મુજબ ચાલતા હતા ત્યાં કોરોના પોઝિટિવ દર્દીઓને પગલે ભય ફેલાયો છે.

કોરોનાના ફફડાટ વચ્ચે સામખીયાળી, વોન્ધ, આધોઇ, ધરાણા, ખારોઇ, જુના કટારીયા, મસ્કા, કોડાય, વરસામેડી અને નલિયા બંધ રહ્યા હતા. આ તમામ ગામોમાં સોંપો પડી ગયો છે. ભુજની ૨૧ વર્ષીય તબીબ યુવતીને ગઈકાલે ચૂપચાપ રજા આપી દેવાઈ હતી. મુંબઈથી આવેલી આ તબીબ યુવતી જુહી અતુલ શાહે પોતાને કોરોના પોઝિટિવ હોવાની વાત છુપાવી હતી. વળી, કવોરેન્ટાઇનમાં હોવા છતાંયે તે બહાર ફરી હતી. તેની સામે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.

(11:49 am IST)