Gujarati News

Gujarati News

News of Tuesday, 19th May 2020

ભાવનગરનાં તળાજામાં સેવાભાવીઓનું સન્માન

ડોકટરો, પોલીસ, પત્રકારો, સફાઇ કર્મચારીઓ કોરોના સામે બહારવટે ચઢ્યા છે : માયાભાઇ આહિર

ભાવનગર, તા.૧૯ :  લોકડાઉનના પ્રથમ દિવસ થી તળાજા ખાતે ભુખ્યાને ભોજન પીરસવાનું ભગીરથ કાર્ય શરૂ થયેલ. આજે ત્રીજું લોકડાઉનપૂર્ણ થયા સુધી ગરીબ પરિવારની જઠરાગ્નિ ઠારનાર ગ્રૂપ દ્વારા ચાલતા અન્નક્ષેત્રના અંતિમ દિવસે દાતાઓ,સેવાભાવી યુવકો,સંસ્થાઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ સોસીયલ ડીસન્સ સાથે ખરક સમાજની વાડી ખાતે યોજાયો હતો.

કાર્યક્રમમાં સંતશ્રી રમજુબાપુ, માયાભાઈ આહીર, મામલતદાર કનોજીયા, પોપટભાઈ માલધારી, બ્લોક હેલ્થ ઓફિસર ડો.નિલેશ ગોધાણી,નાઝભાઈ આહીર સહિતનાની વિશેષ હાજરી રહી હતી.

આ અવસરે માયાભાઈ આહિરે લોકસાહિત્ય માર્મિક શૈલી માં જણાવ્યું હતુંકે દેશની અઢારેય આલમ ને આવી મહામારી સામે એક થવાની જરૂર છે.એક થઈ છે ત્યારેજ તળાજા માં સતત અન્નદાનનો પ્રવાહ વહ્યો. તંત્ર ની તાકાત નહોતી કે ઝૂંપડે ઝૂંપડે જઇ ને ગરીબો ને અન્ન પીરસી શકે. તેના માટે આરાધ્યા અને રાજભોગ ગ્રૂપના તમામ સેવાભાવી યુવકો, દાતાઓને અભિનંદન પાઠવ્યા હતા. માયાભાઈ આહિરે ડોકટર, પોલીસ, પત્રકાર અને સફાઈ કર્મીઓને કોરોના સામે બહારવટીએ ચઢ્યા હોય ગણાવી કોરોના સામે સાવચેતી રાખવાની જરૂર છે. સીતાજી લક્ષ્મણ રેખા ન ઓળગ્યા હોત તો રાવણ લઈ ન ગયો હોત તેમ જણાવ્યું હતું.

સંતશ્રી રમજુબાપુ એ ભાવેણાના રાજવીની દિલેરીને યાદ કરી તળાજામાં અવિરત ચાલેલા આન્નક્ષેત્ર ગ્રૂપને બિરદાવેલ. આંગળી ચીંધ્યાનું પણ પુણ્ય છે ત્યારે અહિયાં ઝૂંપડે ઝૂંપડે જઈને ગરીબોની આંતરડી ઠારવામાં આવી છે. તેનંુ મોટું  પુણ્ય મળશે. ગાય, સાધુ, પોલીસ અને પત્રકારો ને સાચવવા એ દેશવાસીઓની ફરજ છે. તેમ કહી પત્રકાર પર થયેલ હુમલાને વખોડેલ. પોપટભાઈ માલધારી એ લોક સાહિત્ય સાથે પ્રસંગને અનુરૂપ વકતવ્ય આપેલ હતું. ગરીબો અને પોલીસ ,હોમગાર્ડને વિના મૂલ્યે દરરોજ છાશ નુંવિતરણ કરવાનું સવયના હાથે કાર્ય કરનાર નિવૃત્ત આચાર્ય જીતેન્દ્રસિંહ વાળા એ અન્નક્ષેત્ર કઈ રીતે ચલાવવા માં આવ્યુ, શાકભાજી વેંચવા વાળા થી લઈ કરિયાણાના વેપારીઓ એ પણ જે મદદ કરી હતી તેની રૂપરેખા આપી હતી.

ઉપસ્થિત આગેવાનોએ રાજભોગ અને આરાધ્યા ગ્રુપના દરેક સેવાભાવી યુવકો ને શાલ,મોમેન્ટો આપી સેવકરવા બદલ બિરદાવ્યા હતા. શિવ ભાઈ ગઢવી એ આભાર વિધિ કરેલ. વૈભવ જોશી એ કાર્યક્રમનું  સંચાલન કરેલ.

(11:42 am IST)