Gujarati News

Gujarati News

News of Tuesday, 19th May 2020

કુતિયાણાના માલ ગામના ગ્રામ્યજનો કોરોના વોરીયર્સ બન્યા : તમામ વિસ્તારોમાં તકેદારી

કુતિયાણા તા.૧૯ : કોરોના મહામારી સામે લડવા પોરબંદર જિલ્લાના ગામડાઓ સજ્જ છે. કોરોનાનુ સંક્રમણ ફેલાય નહીં  તે માટે કુતિયાણા તાલુકાના  માલ ગામના લોકો  ખુબજ તકેદારી રાખી રહ્યા છે. ગામના પશુપાલકો, ખેડૂતો, કારીગરો સહિત ગામ લોકો સરકારની સુચનાઓનુ તથા લોકડાઉનનુ ચુસ્તપણે પાલન કરી રહ્યા છે.

માત્ર ગામમાં જ નહીં પરંતુ વાડી વિસ્તારમાં રહેતા ખેડૂતો માલધારીઓ પણ કોઈ પણ ચીજ-વસ્તુ બહારથી લાવે તો સાફ સફાઈ કરે છે અને કામ વગર શહેરમાં જતા નથી. ગામના સરપંચ સુમરીબેન ઓડેદરાએ કહ્યુ કે, બહારથી કોઇ વ્યકિત ગામમાં પ્રવેશે તો આરોગ્ય વિભાગને તુરંત જાણ કરવામાં આવે છે. આ ઉપરાંત ગામમા સગર્ભા તથા ધાત્રીમાતાઓને માતૃશકિતના પેકેટ, નાના બાળકોને બાલશકિતના પેકેટ તથા કિશોરીઓને પૂર્ણાશકિતનાં પેકેટ આંગણવાડીના બહેનો દ્યરે દ્યરે જઇને વિતરણ કરે છે. આરોગ્ય વિભાગના કર્મચારીઓ આશા બહેનો દ્યરે દ્યરે જઇને લોકોને વારંવાર હાથ ધોવા, દ્યરની બહાર નિકળતી વેળાએ મોઢા પર માસ્ક પહેરવુ, આપસમાં સામાજિક અંતર રાખવુ તથા લોકડાઉનનું પાલન કરવા લોકોને અપીલ કરવામાં આવે છે. 

ગામના ખેડૂત રામભાઇએ કહ્યુ કે, હુ દરરોજ નિયમિત ખેતરે ખેતીકામ માટે જાવ છુ. આ દરમિયાન સરકારની સુચનાઓનુ પાલન કરવામાં આવે છે. આરોગ્ય વિભાગ તથા ગ્રામ પંચાયત દ્રારા ગામને સેનીટાઇઝ કરાયુ છે. ગામના યુવાનો કોરોના અંગે ખોટી અફવાથી દૂર રહે છે. મોબાઇલ કે ટીવી અખબાર મારફતે સરકારશ્રીની માર્ગદર્શિકાઓ અને યોજનાઓની પણ માહિતીથી વાકેફ થઈ કઈ રીતે તકેદારી રાખવી તેઅંગે વડીલોને માહિતગાર કરે છે. માલ ગામની સીમમાં હાઇવે નજીક ખેતી કામ કરતા અને વાડીમાં જ રહેતા પરિવારોની મુલાકાત લેતા માહિતી ખાતાની ટીમને ખેડૂતોએ જણાવ્યું કે અમે બિનજરૂરી રીતે શહેરમાં જતા નથી. કોઈ વસ્તુ લાવવાની હોય તો એક સાથે લઈ આવીએ છીએ અને ઓછામાં ઓછું બહાર નીકળવું પડે તેનું પણ ધ્યાન રાખીએ છીએ. કોઈ પણ વસ્તુ બહારથી લાવીએ તો સૂકવવા મૂકી દઈએ છીએ અથવા તો સાફ કરી નાખીએ છીએ. બહારથી ખરીદી કરીને  આવીએ ત્યારે સાબુથી હાથ ધોઇને જ અમારા નાના બાળકોને નજીક આવવા દઇએ છીએ. આમ અમે  જરૂરી તકેદારી રાખીએ છીએ. ખેડૂતોએ જણાવ્યુ હતુ કે, અમે આગામી ચોમાસાની તૈયારી રૂપે ખેતર ખેડવાનું તેમજ અન્ય ખેતીકામ પણ શરૂ કરી દીધુ છે. પોરબંદર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ નો ફેલાઇ તે માટે ગ્રામજનો જાગૃત છે.

(11:36 am IST)