Gujarati News

Gujarati News

News of Tuesday, 19th May 2020

સુરેન્દ્રનગર સબ જેલ દ્વારા કોરોના સામે લડતા ફ્રન્ટ વોરિયર્સને સન્માનિત કરાયા

સુરેન્દ્રનગર,તા.૧૯: સુરેન્દ્રનગર સબ જેલના ઇન્ચાર્જ અધિક્ષકશ્રીની  યાદીમાં જણાવ્યા પ્રમાણે સુરેન્દ્રનગર સબ જેલમાં બંદીવાન ભાઇ – બહેનોને કોવિડ -૧૯ કોરોના વાઇરસના સંક્રમણથી સુરક્ષા પ્રદાન કરવા અંગે જેલ ખાતાના વડા અધિક પોલીસ મહાનિર્દેશકશ્રી ડો. કે. એલ. એન. રાવની સુચના અનુસાર જેલમાં બંદીવાન ભાઇ- બહેનોને નામદાર કોર્ટમાં રજુ કરવાને બદલે વિડિયો કોન્ફરન્સ સીસ્ટમથી રજુ કરવામાં આવે છે. આ ઉપરાંત બંદીવાનોના સગા સંબંધીઓની રૂબરૂ મુલાકાત બંધ કરી તેમને ટેલિફોન તથા વિડિયો કોલથી મુલાકાતની વ્યવસ્થા કરતા ઉપરાંત બંદીવાન ભાઇ- બહેનોને અનિવાર્ય સંજોગો સિવાય સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવતા નથી.

વધુમાં કોરોના વાયરસની મહામારી વચ્ચે મેડીકલ તથા પેરા મેડીકલ સ્ટાફ જેલના કર્મચારીઓ તથા બંદીવાન ભાઇ- બહેનો માટે રુબરુ જેલ ઉપર આવી આરોગ્યલક્ષી સેવા/પરીક્ષણ કરતા હોય છે. જે અન્વયે અર્બન/ તાલુકા હેલ્થ સેન્ટરના મેડીકલ તથા પેરા મેડીકલ સ્ટાફ તેમજ સિવિલ હોસ્પિટલથી દર શનિવાર અને સોમવારે આવતા સાયકોલોજીસ્ટ ડો. વૃંદા ઠાકર તેમજ માર્ચ -૨૦૨૦થી આયુષ ગાઇડલાઇન હેઠળ જેલને સતત માર્ગદર્શન તથા આયુર્વેદીક ઉકાળા અને હોમીયોપેથીક આર્સેનીક ૩૦ દવાના ડોઝ પુરા પાડનાર આયુર્વેદીક હોસ્પિટલના ડો. પી.પી. પરમાર તથા બારૈયા જેવા  કોવીડ -૧૯ મહામારી સામે સતત લડતા ફ્રન્ટ વોરીયર્સને  જેલ સ્ટાફ તથા બંદીવાન ભાઇ- બહેનો વતી ઇન્ચાર્જ અધિક્ષક એચ.આર.રાઠોડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે મેડિકલ તથા પેરા મેડીકલ સ્ટાફે જેલના અધિકારી તથા કર્મચારીઓનો આભાર વ્યકત કર્યો હતો.

(11:34 am IST)