Gujarati News

Gujarati News

News of Tuesday, 19th May 2020

મોરબીના આરોગ્ય વિભાગના ડોકટરો-કર્મીઓની અમદાવાદ સેવા આપવાની ચોખ્ખી ના

સરકારના આદેશ મુજબ ૬ ટીમોને આદેશ કરેલઃ આરોગ્ય અધિકારી

મોરબી,તા.૧૯: મોરબીના આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા ડોકટરો અને કર્મચારીઓને અમદાવાદ સેવા આપવા માટેનો હુકમ કરાયો હોય જેના વિરોધમાં આજે ડીડીઓ ને આવેદન પાઠવ્યું છે.

મોરબી જીલ્લાના આરોગ્ય વિભાગમાં કરાર આધારિત ફરજ બજાવતા ડોકટરો, ડ્રાઈવર અને નર્સિંગ સ્ટાફ સહિતના ૭૦ લોકો ફરજ બજાવતા હોય અને કોરોના મહામારીને પગલે અમદાવાદમાં સ્થિતિ વણસી રહી હોય જેથી ત્યાં વધારે સ્ટાફની જરૂરત હોવાથી સરકારના હુકમ બાદ મોરબી આરોગ્ય વિભાગે ૬ ટીમોને છુટા કરી દેવાયા હોય અને અમદાવાદ ફરજ બજાવવા જણાવ્યું હોય જેનો વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. આ મામલે ડીડીઓને આવેદન પાઠવી જણાવ્યું છે કે RBSK સ્ટાફ જેમાં મેડીકલ ઓફિસર, ફાર્માસિસ્ટ અને ફીમેલ હેલ્થ વર્કર ઉપરાંત ડ્રાઈવર સહીતના ૧૧ માસ કરાર આધારિત ફરજ બજાવતા હોય અને રેડ ઝોન અમદાવાદમાં ડેપ્યુટેશન માટે કામગીરીનો ઓર્ડર કરવામાં આવ્યો હોય જેનો વિરોધ નોંધાવ્યો છે જેમાં જણાવ્યું છે કે નોકરી સિવાયની કોઈપણ જાતની સલામતી તેમજ યોગ્ય વેતન મળતું નથી અગાઉ જે જીલ્લામાંથી પ્રતીનીયુકતી થઇ હોય ત્યાંથી જાણવા મળ્યું છે કે કોઈપણ જાતની સવલતો મળતી નથી મોરબીમાં લોકડાઉન સમયથી ૨૪ X ૭ ફરજ પર હાજર હોય અને રાત્રે પણ કવોરનટાઇન ડ્યુટી કરેલ છે જેથી અમદાવાદ ફરજ સોપવામાં આવી તેનો વિરોધ કરવામાં આવ્યો છે તેમજ ઓર્ડર રદ ના થાય તો માસ રાજીનામાંની પણ ચીમકી ઉચ્ચારી હતી.

આ મામલે મોરબી જીલ્લા આરોગ્ય અધિકારી જણાવે છે કે અમદાવાદમાં વધુ ટીમની જરૂરત હોય જેથી સરકારના આદેશ મુજબ છ ટીમોને આદેશ કરેલ છે જે આદેશમાં રહેવા અને જમવાની સુવિધા અંગે સ્પષ્ટ લખેલ છે જેની વ્યવસ્થા અમદાવાદ મ્યુંનીસિપલ કોર્પોરેશન કરશે તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા આ ટીમોને છુટા કરી દેવામાં આવ્યા છે તો માસ રેઝીગ્નેશન અંગે જણાવ્યું હતું કે આ અંગે કોઈ જાણ નથી અને જો આવું કઈ થાય તો નિયમ મુજબ કાર્યવાહી કરાશે.

(11:33 am IST)