Gujarati News

Gujarati News

News of Tuesday, 19th May 2020

જુનાગઢની કન્યા વિદ્યા મંદિરના આચાર્ય જયશ્રીબેનની ડોકયુમેન્ટરીને Top 10માં સ્થાન

જુનાગઢ તા. ૧૯: ડો. વિક્રમ સારાભાઇનું જન્મ શતાબ્દી વર્ષ સમગ્ર ભારત વર્ષ મનાવી રહ્યું છે. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા ડો. વિક્રમ સારાભાઇ વિષય પર વિડીયો ડોકયુમેન્ટરી બનાવવાનું આહવાન આપવામાં આવ્યું હતું. જેમાં માતૃશ્રી એમ. જી. ભુવા કન્યા વિદ્યામંદિરના આચાર્ય જયશ્રીબેન રંગોલીયાની ડોકયુમેન્ટરી જીટીયુ દ્વારા ટોપ ટેન ડોકયુમેન્ટ્રીમાં સ્થાન આપવામાં આવ્યું છે.

જીટીયુના તેરમા સ્થાપનાદિનની ઓનલાઇન ઉજવણી પ્રસંગે ગુજરાત રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી, શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, રાજય શિક્ષણ મંત્રી વિભાવરીબેન દવે, જીટીયુના કુલપતિ ડો. નવીન શેઠ, કુલ સચિવ ડો. કે. એન. ખેરની ઉપસ્થિતિમાં ડો. વિક્રમ સારાભાઇ ન ડોકયુમેન્ટરીને જીટીયુની youtube ચેનલ ઉપર મુકવામાં આવી છે. ૧પ હજારથી વધુ વિદ્યાર્થીઓ આ ઓનલાઇન ઉજવણીમાં હાજર રહ્યા હતા. ડોકયુમેન્ટ્રીમાં ડો. વિક્રમ સારાભાઇના જીવન વૃતાંતને સુંદર રીતે રજુ કરવામાં આવ્યો છે. આ ડોકયુમેન્ટરીને જીટીયુની youtube ચેનલ પર નિહાળી શકાશે.

ભારતીય વિદ્યાભવન, કલ્ચર એકેડેમી એન્ડ સેન્ટર ફોર આર્ટસ એન્ડ એચવી ઇન્સ્ટિટયૂટ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ દ્વારા આયોજિત 'આપણું ગુજરાત' વિડીયો કોમ્પિટિશનમાં પણ જયશ્રીબેને ટોપ ટેનમાં સ્થાન પ્રાપ્ત કરેલ છે. આ સ્પર્ધા ગુજરાત રાજયના ૬૦ માં સ્થાપના દિન નિમિત્તે યોજાયેલ હતી. જેમાં ગુજરાતના ખુણેખુણેથી ઘણા સ્પર્ધકોએ ભાગ લીધેલ. આ સ્પર્ધામાં ઓડિયો વીડિયો વિઝયુલાઇઝેશન રજુઆત, વેશભૂષા, આજુબાજુનું વાતાવરમણ, બોલવાની શૈલી, એકિટંગ વગેરે બાબતોને આધારે નિર્ણય આપવામાં આવેલ.

જયશ્રીબેન રંગોલીયાની આ સિદ્ધિ બદલ ડો. હરિભાઇ ગોધાણી કેમ્પસના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી જે. કે. ઠેસિયા, મેનેજીંગ ટ્રસ્ટી સુશ્રી મૃણાલીનીબેન ગલોધાણી, કેમ્પસ ડાયરેકટર શ્રી સી. પી. રાણપરીયા, તમામ વિભાગીય વડાઓ, સ્ટાફગણ તથા કર્મચારીગણે અભિનંદન પાઠવ્યા છે.

(11:28 am IST)