Gujarati News

Gujarati News

News of Tuesday, 19th May 2020

અમરેલી જિલ્લામાં સંભવિત સ્પ્રેડરના માસ સેમ્પલ લેવાયાં

લોકસમૂહ સાથે સતત સંપર્કમાં રહેતા પોલીસકર્મી, આરોગ્યકર્મી, મેડિકલ સ્ટોર ઓપરેટર જેવા લોકોના સેમ્પલ લીધા

અમરેલી,તા. ૧૯: અમરેલી જિલ્લામાં કોવિડ-૧૯ના બે પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ વહીવટી તંત્ર તેમજ આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાનું સંક્રમણ ફેલાતું અટકે તે માટે કવાયત શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત હાલ કોરોનાના પોટેન્શિયલ સુપર સ્પ્રેડર સાબિત થઈ શકે તેવા તમામ લોકોના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. આવા સંભવિત સુપર સ્પ્રેડરમાં માર્કેટિંગ યાર્ડના કર્મીઓ, પોલીસકર્મી, દૂધ-શાકભાજીવાળા, આરોગ્ય કર્મચારીઓ, બેંક-ટેલિફોન સ્ટાફ, હેર સલૂન અને મેડિકલ કર્મીઓનો સમાવેશ થાય છે.

આ અંગે વધુ વાત કરતા ડો. એ.કે.સિંઘે જણાવ્યું હતું કે અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ પ્રકારના સંભવિત સુપર સ્પ્રેડર બની શકે તેવા લોકોની યાદી તૈયાર કરવામાં આવી છે. આ યાદી મુજબ આ લોકોના સેમ્પલ લેવામાં આવી રહયાં છે. કુલ ૩૭૯૪ જેટલાં લોકો પૈકી આજે ૩૪૫ લોકોના સેમ્પલ ટેસ્ટિંગ માટે મોકલાવાયા છે. અમરેલી જિલ્લામાં કોરોનાને પ્રસરતો અટકાવવા માટે વહીવટી તંત્ર દ્વારા મહત્વના પગલાંઓ લેવામાં આવી રહ્યા છે.

સુપર સ્પ્રેડર એટલે શું?

સુપર સ્પ્રેડર એટલે એવાં લોકો જેઓ પોતાનાં વ્યવસાયના કારણે લોકસમૂહના સંપર્કમાં વધારે પ્રમાણમાં આવતાં હોય છે. આ પ્રકારના લોકો દરેક વ્યકિતના સંપર્કમાં આવતાં હોવાથી તેઓને કોરોનાનો વધુ ખતરો રહે છે. અને જો આ પ્રકારના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોમાં કોરોના પોઝિટિવ કેસ આવે તો તેમની સાથે સંપર્કમાં આવતા સમૂહમાં કોરોના ફેલાવાનો વધુ ભય રહે છે.

(11:26 am IST)