Gujarati News

Gujarati News

News of Tuesday, 19th May 2020

ચોમાસા પહેલા છઠ્ઠી વખત કમોસમી વરસાદ ત્રાટકયો

ભાવનગરમાં ર૦ કિ.મી.ની ઝડપે પવન : પાલીતાણા પંથકમાં ૭ વિજપોલ ધરાશાયી : ગોંડલ અને ગ્રામ્ય વિસ્તારોમાં હોર્ડિગ્સ, કાચા-મકાનના પતરા ઉડી ગયા : સૌરાષ્ટ્ર-કચ્છમાં અસહ્ય ઉકળાટ ચાલુ

ગોંડલ અને ગ્રામ્ય વિસ્તારોમાં મીની વાવાઝોડામાં થયેલ નુકશાનની તસ્વીરો. ૧ થી ૪ તસ્વીરમાં નજરે પડે છે. જયારે પાંચમી અને છઠ્ઠી તસ્વીરમાં ભાવનગર-જીલ્લામાં વૃક્ષો ધરાશાયી થયા તે નજરે પડે છે. (તસ્વીર : ભાવેશ ભોજાણી(ગોંડલ), મેઘના વિપુલ હિરાણી-ભાવનગર)

રાજકોટ, તા. ૧૯ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં વાતાવરણમાં વારંવાર અસ્થિરતા જોવા મળી રહી છે. ત્યારે ગઇકાલે ગોંડલ અને ગ્રામ્ય વિસ્તારોમાં મીની વાવાઝોડું ફૂંકાતા અનેક જગ્યાએ નુકશાન થયું હતું.

જયારે ભાવનગરમાં ર૦ કિ.મી.ના ઝડપે પવન ફૂંકાવા સાથે છૂટોછવાયો વરસાદ પડયો હતો.

આજે સવારથી અસહ્ય ઉકળાટ યથાવત છે અને લોકો પરસેવે રેબઝેબ થઇ રહ્યા છે. મહત્તમ તાપમાનમાં સતત વધારો થવાના કારણે લોકોને આકરા ઉનાળાનો અહેસાસ થઇ રહ્યો છે.

ગોંડલ

 ગોંડલ : ગોંડહલ શહેર પંથકમાં દિવસ દરમિયાન ગરમીનો પારો ઉંચા રહ્યા બાદ સાંજના વાતાવરણ પલટાતા ધૂળની ડમરીઓ અને વંટોળીયા સાથે મીની વાવાઝોડું ફૂંકાયું હતું.   છેલ્લા એક માસમાં આશરે પાંચથી છ વખત મીની વાવાઝોડા સાથે ગોંડલ શહેર પંથકમાં વરસાદ વરસ્યો હોય ખેતરમાં ઉભા મોલને નુકશાન થઇ રહ્યું હોય ખેડૂતોમાં ચિંતાનું મોજુ પ્રસરી જવા પામ્યું છે.

ભાવનગર

ભાવનગર : ભાવનગરમાં ર૦ કિ.મી.ની ઝડપે ભારે પવન ફુંકાઇ રહ્યો છે. જીલ્લાના પાલીતાણા, સિહોર, વલ્લભપુર અને ભાવનગર શહેરમાં પણ રાત્રે છુટો છવાયો વરસાદ પડયો હતો. પાલીતાણાના નોંધણવદર ગામે ધોધમાર વરસાદ પડયો છે અને સાત વિજળીના થાંભલાઓ ધરાશાયી થયા છે.

(3:51 pm IST)