Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

નલીયા દુષ્કર્મ પ્રકરણમાં પીડીતાની કોર્ટમાં ઉલટ તપાસઃ સોમવારે વધુ સુનાવણી

ભુજ, તા.૧૯: કચ્છના બહુચર્ચીત નલિયાકાંડ કેસમાં આમતો કેસ સામે આવ્યો ત્યારથી રોજ નવા વળાંકઆવી રહ્યા છે. પહેલા પોલીસ ફરીયાદ ત્યાર બાદ ભાજપના નેતાઓની સંડોવણી અને રાજકીય ઉથલપાથલ થઈ.આ કેસ હાઇપ્રોફાઇલ બનતાં મામલાની ગંભીરતાને લઇને સીટની રચના સહિતની કાર્યવાહી હાથ ધરાઈ. લાંબા સમયથી આ કેસ શાંત રહ્યો હતો. પણ જેમાં જીવ ત્યારે આવ્યો, જયારે નલિયાકાંડની પીડીતા ભુજ કોર્ટમાં જુબાની આપવા માટે હાજર રહી. જો કે, નવાઇ વચ્ચે પિડીતાએ પોતાની મૂળ ફરીયાદ કરતા કંઇક અલગજ નિવેદનો દેવાનુ શરૂ કર્યુ છે.જેને લઇને ફરી આ કેસમાં નવો વળાંક આવ્યો છે.આ પીડીતા જયારે બીજી વાર કોર્ટ તારીખમાં હાજર રહી હતી.

ત્યારે,તેણે ફરી કયાંક તેની મૂળ ફરીયાદને સુસંગત નિવેદનો આપ્યા હતા. ત્યારબાદ વારંવાર પીડીતા નિવદનો બદલતી હોવાથી તેની જુબાની સાથે કોર્ટમાં આજે તેની ઉલટ તપાસ થઇ હતી. આ પહેલા તારીખ ૧૬ ના નલિયાકાંડની પીડીતાને કોર્ટમાં હાજર રહેવાનુ હતુ. પરંતુ તેની તબીયત નાદુરસ્ત હોવાના કારણે તે હાજર રહી શકી ન હતી. જેથી, કોર્ટે ૧૮ તારીખે વધુ કાર્યવાહી માટેના આદેશ કર્યા હતા ત્યારે આજે ફરી કોર્ટમાં તેની જુબાની સાથે તેના નિવેદનોમાં ફેરફાર અંગે કોર્ટે તેની ઉલટ તપાસ કરી હોવાનુ આ કેસ માટે ખાસ નિયુકત કરાયેલા જિલ્લા સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામીએ જણાવ્યુ હતુ.

નલિયાકાંડ કચ્છ ભાજપના મોટા નેતાઓની સંડોવણીના કારણે શરૂઆતથીજ હાઇપ્રોફોઇલ બની રહ્યો છે. વળી આ મુદ્દે કોગ્રેસે પણ રાજકીય અને રાષ્ટ્રીય સ્તરે મહિલા સલામતીનો મુદ્દો ઉઠાવીને આ પ્રકરણને રાજકીય ચર્ચામાં લાવી દીધુ હતું. ત્યારે હવે પીડીતાનુ કોર્ટમાં વારંવાર ફરી જતુ નિવેદન આપવુ અને આથી અગાઉ પીડીતા દ્રારા કરાયેલી ફરીયાદ અને જે તે સમયે બંધ બારણે અપાયેલા નિવેદન તેમજ પિડીતાએ દુષ્કર્મનો ભોગ બની હોવાનુ જણાવી લીધેલી સરકારી સહાય જેવા વિરોધાભાષી તથ્યો આ સમગ્ર કેસમાં નવો વળાંક લાવ્યા છે.

તેવામાં કોર્ટે પણ કેસની ગંભીરતાને ધ્યાને લઇ પીડીતાની ફરી ઉલટ તપાસ શરૂ કરી છે. જેથી પિડીતા ભલે હોસ્ટાઇલ જાહેર થઇ. પરંતુ,કોર્ટ ઇચ્છે છે કે આ કેસમાં જે સત્ય છે તે સામે આવે અને જો કોઇ દબાણ હેઠળ પીડીતા નિવેદનો બદલી રહી હોય તો પણ કોર્ટ તેમા મૂળ ફરીયાદના તથ્ય સુધી કેસને લઇ જઈ પીડિતાને ન્યાય અપાવે.અત્યાર સુધી પીડીતા ૩ વખત ભુજ કોર્ટમા હાજર રહી છે. જેમા ૨૭-૦૪-૨૦૧૮ના પ્રથમ વાર ૭-૦૫-૨૦૧૮ના બીજી વાર અને ૧૮-૦૫-૨૦૧૮ના હાજર રહી હતી. હવે પછીની વધુ સુનાવણી ભુજ કોર્ટ માં ૨૧-૦૫૦-૨૦૧૮ સોમવારના હાથ ધરાશે.(૨૨.૧૦)

(12:13 pm IST)