Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

ભાયાવદર(ચોકી)માં ડોમ ખોલતા શોર્ટથી ૫ કારીગરના મોત

અમરેલી જીલ્લામાં રાવરાણી-ચાવડા પરિવારના સુરાપુરા પૂ. મકનબાપાના મંદિરે પૂ. ગીરીબાપુના વ્યાસાસને આયોજીત શિવકથા ગુરૂવારે વિરામ લીધા બાદ મંડપ ખોલવાની કામગીરી વખતે દુર્ઘટના

 વડીયા, તા. ૧૧ : અમરેલી જીલ્લાના વડીયા તાલુકાના ભાયાવદર (ચોકી) ગામમાં ચાવડા-રાવરાણી પરિવાર દ્વારા આયોજીત સુરાપુરા પૂ. મકનબાપાના મંદિરે પૂ. ગીરીબાપુના વ્યાસાસને શિવકથાએ વિરામ લીધા બાદ કથાના ડોમ અને મંડપ ખોલવાની કામગીરી વખતે વિજ શોર્ટ લાગતા પ કરીગરોના મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઇ છે.

પ્રાપ્ત માહિતી મુજબ તા. ૯થી ૧૭ મે સુધી અમરેલી જીલ્લાના કુંકાવાવ તાલુકાના ભાયાવદર (ચોકી-ભાયાવાળાનું) ખાતે પૂ. ગીરીબાપુના વ્યાસાસને રાવરાણી-ચાવડા પરિવારના સુરાપુરા પૂ. મકનબાપાના સ્થાનકે શિવકથાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કથા તા. ૧૭ને ગુરૂવારે વિરામ લીધા બાદ કથા સ્થળે મંડપ અને ડોમ કાઢવાની કામગીરી કારીગરો દ્વારા ચાલી રહી હતી. ત્યારે અચાનક શોર્ટ સર્કીટ થતા થાંભલામાં ચોંટી જતા પ કારીગરોના મોત નિપજયા હતાં.

કેવી રીતે દુર્ઘટના સર્જાઇ ?

શિવકથા માટે ગુરૂદેવ મંડપ સર્વિસ દ્વારા વિશાળ ડોમ બાંધવામાં આવ્યો હતો. ડોમ બાંધવા માટે લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. શનિવારે સવારે મંડપ સર્વિસના કારીગરો લોખંડની સીડી લઇને મંડપ ખોલી રહ્યા હતાં. એક મજૂર સીડી ઉપર હતો જયારે બાકીના કારીગરો સીડીને ખસેડવાનું કામ કરી રહ્યા હતાં.

આ દરમિયાન ઉપરથી પસાર થતા વીજળીના તાર સાથે આ સીડી અડી ગઇ હતી અને તમામ લોકોને કરંટ લાગ્યો હતો. સીડી ઉપર રહેલા વ્યકિત તેમજ તેને પકડીને નીચે ઉભા રહેલા તમામ લોકોને વીજળીનો કરંટ લાગ્યો હતો. કુલ છ મજૂરો ડોમ ખોલવાનું કામ કરી રહ્યા હતા. જેમાંથી પાંચના મોત થયા છે. તેમજ એક વ્યકિતને સારવાર માટે કુંકાવાવ ખસેડવામાં આવ્યો છે. મોતને ભેટેલા મજૂરો અમરાપુર ગામના હોવાનું કહેવામાં આવી રહ્યું છે. (૮.૭)

 

(12:12 pm IST)