Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

ગોંડલના શિક્ષિત યુવકને ડેટા એન્ટ્રીના નાણા દિધા વગર રાજકોટની કંપનીના સંચાલકો છૂ

ડીપોઝીટ પેટે ૬પ૦૦ ઉઘરાવી લીધા બાદ કામના રૂપિયા આપવાના બદલે રફુચકકરઃ રાજકોટના યુવકો પણ છેતરપિંડીનો ભોગ બન્યા છેઃ ફરીયાદની તજવીજ

ગોંડલ, તા.૧૯:  ગોંડલના ભોજરાજપરા વિસ્તારમાં રહેતા અને બી.સી.એ સુધીનો અભ્યાસ કરાયેલા યુવાનો દ્વારા ખિસ્સા ખર્ચ માટે રાજકોટના યાજ્ઞિક રોડ ઉપર આવેલ ડેટાબેઝ કંપનીનું કામ રાખવામાં આવ્યું હતું કામ પૂર્ણ કર્યા બાદ કંપનીએ રૂપિયા ૨૨,૫૦૦ ચૂકવવાને બદલે રફુચક્કર થઈ જતાં યુવાનો દ્વારા ફોજદારી રાહે પગલાં લેવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ શિક્ષિત બેરોજગાર યુવાનો સાથે કોમ્પ્યૂટરમાં ડેટા એન્ટ્રી કરાવવાના કરાર કરી રોકડા નાણા પડાવી લઇ છેતરપિંડી કરી રહ્યાં બનાવો વધી રહ્યા છે. ગોંડલના ભોજરાજપરા વિસ્તારમાં રહેતા અને રાજકોટ જે જે કુંડલીયા કોલેજમાં bca સુધીનો અભ્યાસ કરેલા ધવલ દિનેશભાઈ બુદ્ઘભટ્ટી ખિસ્સા ખર્ચ માટે રાજકોટના યાજ્ઞિક રોડ ઉપર આવેલ પીપી ફૂલની સામેના કોમ્પલેક્ષમાં સીટી સ્ટોપ દુકાન નંબર ૩૨૦, ૩૨૧ માં આવેલ એશુર્ડ ડેટાબેઝ કંપની સાથે ડેટા એન્ટ્રીના કરાર કર્યા હતા અને આ કરાર પેટે યુવાન પાસેથી રૂપિયા ૬૫૦૦ ડિપોઝિટ પેટે લેવામાં આવ્યા હતા યુવાન દ્વારા કામ પૂરું કરાયા બાદ તેને તેની મહેનત ની રકમ આપવાના બદલે તો કંપની સંચાલકો રફુચક્કર થઈ ગયા હોય ધવલ બુદ્ઘભટ્ટી દ્વારા ફોજદારી રાહે પગલાં લેવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

છેતરપિંડીના બનાવો અંગે ધવલ બુદ્ઘભટ્ટી એ જણાવ્યું હતું કે તેની સાથે રાજકોટના સાતથી આઠ મિત્રો પણ ડેટા એન્ટ્રી કામ માટે જોડાયા હતા જેમાંના મોટાભાગના યુવાનોને આ કંપનીનો કડવો અનુભવ થયો છે ધવલ બુદ્ઘભટ્ટી ને આ કંપની પાસેથી ૧૬૦૦૦ મહેનતના અને ૬૫૦૦ રૂપિયા ડિપોઝિટ પેટે પરત લેવાના બાકી છે.

(11:57 am IST)