Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

ચોમાસા પહેલા જેતપુરની ભાદર નદી સાફ ન થાય તો કેમીકલવાળુ પાણી ડેમમાં ઠલવાશે

દરેક ડિપાર્ટમેન્ટ પ્રિ-મોન્સૂન કામગીરી કરે છે તો ભાદરની સફાઈ કેમ નહિં?

જેતપુર, તા. ૧૯ : શહેરના સાડી ઉદ્યોગને ઉદ્યોગકારોના બે જવાબદારી ભર્યા વલણના કારણે અવાર નવાર ફેલાવવાનું બંધ કરતા નથી. કારખાનાના ઝેરી કેમીકલ યુકત પાણી તેમજ ચિમનીમાંથી નીકળતી ઝીણી કાળી ભૂકીથી થતુ વાયુ પ્રદુષણ અંગે જાગૃત નાગરીકો દ્વારા જયારે જયારે વિરોધ અને આંદોલનો કરવામાં આવે ત્યારે ત્યારે કોઈકને કોઈક નવા નિયમો લાગુ કરવામાં આવે છે. પરંતુ આવા કાયદાઓને મોટા માથાઓ ઘોળીને પી જઈ પ્રદૂષણ ફેલાવવાનું ચાલુ રાખે છે.

થોડા સમય પહેલા સુપ્રિમ કોર્ટ દ્વારા દરેક કારખાનેદારોને પોતાના યુનિટમાં જ પાણીને પ્રાઈમરી શુદ્ધ કરી બહાર છોડવુ જે માટે દરેક કારાખાનેદારોને કહેવામાં આવતા ટ્રીટમેન્ટ પ્લાન તો બનાવી નાખ્યો પરંતુ પ્રદૂષણ હજુ યથાવત જ છે. વાયુ પ્રદૂષણ માટે લીગનાઈટ કોલસાના બદલે બાયોકોલનો ઉપયોગ કરવાનું પ્રદૂષણ બોર્ડ દ્વારા જણાવવામાં આવેલ છતાં હજુ ઘણા કારખાનેદારો લીગનાઈટનો ઉપયોગ કરે છે. જેથી કાળો ઝેરી ધુમાડો ચીમનીમાંથી નીકળે અને તે લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

અગાઉના સમયમાં જયારે કારખાનાઓની સંખ્યા ઓછી હતી ત્યારે વોટસ ટ્રીટમેન્ટ માટે ભાદર નદીના કાંઠે જ કારખાનાઓના ઝેરી કેમીકલયુકત પાણી એકત્રિત કરવા કંુડીઓ બનાવવામાં આવેલ જે પણ ખરેખર કાયદાની વિરૂદ્ધ છે. કેમ કે નદીના કાંઠે આ બનાવવાની કોઈ સંજોગોમાં આપી ન શકાય અને કારખાનેદારોની સંખ્યા વધતા આ પાણીની કેપેસીટી બહારની ટાંકીઓ બની ગયેલ છતાં પણ તે હજુ કાર્યરત છે. નવાઈ વાત તો એ છે કે ત્યાં સંગ્રહ થતુ પાણી કરતા વોકળા, ભાદર નદીમાં વધુ પાણી છોડી દેવામાં આવે છે અને એસોસીએશન દ્વારા પાણીને ટ્રીટ કર્યા બાદ તેનો સ્લજ પણ ગૌચરની જમીનમાં દાટી દેવામાં આવે છે. જેથી તે જમીન પણ બીન ઉપજાવ બની જાય છે. ડાઈંગ એસો. દ્વારા કારખાનામાંથી નીકળતુ પાણી તેનો પોતાની ગટર દ્વારા સીઈપીટી સુધી લઈ જવાનું પ્લાનીંગ કરેલ છે. પરંતુ શહેરમાં ઠેર-ઠેર જોતા તે ગટરો કોરી હોય અને વોકળામાં પાણી બેફામ ચાલ્યુ જતુ હોય અને અમુક જગ્યાએ તો તે ગટરો છલકાઈને પાણી વહી જાય છે.

શહેરમાં છેલ્લા ત્રણેક વર્ષની જહેમત બાદ ભૂર્ગભ ગટર પ્લાન્ટ કાર્યરત થવા જઈ રહ્યો છે તો અમુક કારખાનેદારોએ તેને પણ પોતાની જાગીર સમજી હજુ તો ડોમેસ્ટીક પાણી તેમાંથી ચાલતુ થાય તે પહેલા જ પોતાના કારખાનાનું ઝેરી કેમીકલ યુકત પાણી નાખવાનુ શરૂ કરી દીધુ છે.

શહેરનો અતિ સંવેદનશીલ પ્રશ્ન ઐતિહાસિક ભદ્રાવતી (ભાદર) નદી છે. શહેરની મધ્યમાંથી પસાર થતી આ નદીમાં એટલી હદે કારખાનાનો કદળો ઠાલવાઈ રહ્યો છે. શહેરમાં પ્રવેશતાની સાથે જ તેની તીવ્ર વાસ આવવા લાગે છે. જે બાબતે તંત્ર આંખ આડા કાન કરે છે. કેમ કે શહેરમાં પ્રવેશવા માટે જે પુલ પરથી પસાર થવુ પડે છે ત્યાં જ ભયંકર દુર્ગંધ આવે છે છતાં અહિં પ્રદૂષણ માટે ચેકીંગમાં આવતા અધિકારીઓ નથી પ્રદૂષણ રોકાવી શકયા અને અમુક વખતે તો અહિંથી લેવાયેલ પાણીના નમૂના લેબોરેટરીમાં ડોમેસ્ટીક પાણી હોવાનું અને તે ઉપયોગમાં લઈ શકાય તેવો રીપોર્ટ આવેલ છે. હકીકતે તો નજરે જોતા જ ખબર પડી જાય કે આવુ પાણી માત્ર કારખાનાનુ જ હોય.

હાલ દરેક ડીપાર્ટમેન્ટ પ્રિ-મોન્સૂન કામગીરી કરવા લાગી ગયા છે. પરંતુ આ ભાદર નદીમાં હજુ સુધી કોઈ પ્રિમોન્સુન કામગીરી કરવામાં આવેલ નથી કે જેથી કરી આ કારખાનાનો કદળો આગળ જતા અટકે. થોડા જ સમય બાદ ચોમાસુ શરૂ થઈ જશે. હાલ આ નદીમાં માત્ર કારખાનાઓમાંથી નીકળેલ ઝેરી કેમીકલ યુકત પાણી છે. જે વરસાદનું પાણી આવતા આગળ વધીને છાપરવાડી ડેમમાં ચાલ્યુ જશે. જેથી આગામી સમયમાં એવુ થશે કે વરસાદી પાણીના કારણે થોડા સમય પુરતી નદીઓ ચોખ્ખી થઈ જશે. પરંતુ કારખાનાનુ પાણી ડેમમાં ઠાલવાઈ જશે જેથી તે પાણી પણ પીવાલાયક નહિં રહે અને લોકોમાં રોગચાળો ફેલાશે તે નક્કી જ છે. જેથી તંત્ર તાત્કાલીક કુંભકર્ણની નીંદ્રામાંથી જાગી ભાદર નદીને સાફ કરાવી તેમાં કારખાનેદારો દ્વારા છોડવામાં આવતુ ઝેરી કેમીકલ વાળુ પાણી બંધ કરાવવામાં આવે તેવુ લોકો ઈચ્છી રહ્યા છે.

(11:52 am IST)