Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

ભુજમાં રાહુલ ગાંધી, અહેમદભાઇ પટેલના વિવાદિત બ્યાનઃ મોદી કલાકાર, શાહ જમીનના ધંધાર્થી, અનિલ અંબાણી ચોર અને નોટબંધી કૌભાંડ

વિજયભાઇ રૂપાણી પણ રાહુલ ગાંધીના નિશાને, વ્યકિતગત ટીકાત્મક શાબ્દિક હુમલાઓ સાથે વિવાદિત બ્યાનો બની રહ્યા છે, ચર્ચાનો મુદ્દો

ભુજ, તા.૧૯: લોકસભાની આ ચૂંટણીમાં રાજકીય પાર્ટીઓની પોલિટિકલ લડાઈ કરતાંયે વધુ નેતાઓના વિવાદિત બ્યાનોના કારણે ચર્ચામાં છે. ભુજમાં આજે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીની જાહેરસભા દરમ્યાન પણ વિવાદિત બ્યાનો ચર્ચામાં રહ્યા. જોકે, ચૂંટણી પંચે મોટા નેતાઓ ઉપર વિવાદિત બ્યાનો કરવા બદલ ચૂંટણી પ્રચાર ઉપર પ્રતિબંધ મૂકયો પછી નેતાઓના વિવાદિત બ્યાનોનો મુદ્દો વધુ ચર્ચામાં આવ્યો છે.

ભુજની જાહેરસભામાં અહેમદ પટેલે વ્યકિતગત રીતે નરેન્દ્ર મોદી ઉપર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ગુજરાતના પનોતા પુત્ર શા માટે ગુજરાત માંથી ચૂંટણી લડતા નથી? ગુજરાતમાં હવે તેમના આંટાફેરા વધી ગયા છે, તેનું કારણ હારનો ડર ભાળી ગયા છે. તેમણે  દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને 'કલાકાર' ગણાવ્યા. એટલુંજ નહીં ગુજરાતના આપણાં આ કલાકાર કહીને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો ઉપહાસ પણ કર્યો હતો. તો, વારે દ્યડી મોદીને કચ્છનું રણ કેમ યાદ આવે છે, એ તમે બધા સમજો છો, એવું કહીને ચોક્કસ રીતે હસતા હસતા વ્યંગ કર્યો હતો. તો, અહેમદ પટેલે ઉદ્યોગોને અપાતી જમીનોના મુદ્દે કૌભાંડ થઈ રહ્યા હોવાનું જણાવી અમિત શાહને જમીનના મોટા ધંધાર્થી ગણાવ્યા હતા. નોટબંધી કૌભાંડ અંગે વાયરલ સ્ટિંગ ઓપરેશનના ન્યૂઝનો ઉલ્લેખ કરતા અહેમદ પટેલે જણાવ્યું હતું કે, એક પક્ષના કાર્યાલયમાં બહાર નીકળતા યુવાનના નામનો તેમાં ઉલ્લેખ છે તેની અટક વિશે પણ અહેમદભાઇ પટેલે જે ઈશારો કર્યો હતો કે તે એક મોટા ગજાના નેતાને મળતી આવે છે. નોટબંધી કૌભાંડ સાથે સંકળાયેલા આ વ્યકિતનો જો કોઈ પત્તો આપશે તો કોંગ્રેસ એમને મોટી રકમનું ઇનામ આપશે. પોતાને કામદાર ગણાવતા નરેન્દ્રભાઇ મોદીના વિદેશ પ્રવાસો અને લાઈફ સ્ટાઇલ દેશના દરેક કામદારની હોવી જોઈએ એવું અહેમદભાઇ પટેલે કહીને આમદાર અને કામદારની મોદીની ટિપ્પણી સામે વળતી ટિપ્પણી કરી હતી. આતંકવાદ મુદ્દે કોંગ્રેસ ઉપર પ્રહાર કરતા નરેન્દ્રભાઇ મોદીએ પાકિસ્તાન જઈને નવાઝ શરીફને ત્યાં વેજીટેબલ બીરિયાની ખાધી હતી, જયારે કોંગ્રેસે તો આંતકવાદ માટે બલિદાનો આપ્યા હોવાનું અહેમદભાઇ પટેલે જણાવ્યું હતું. આ ચૂંટણી પછી નરેન્દ્રભાઇ મોદી પાછળ માજી વડાપ્રધાન શબ્દ લખાશે હવે તેમની હાર નિશ્ચિત છે એવું કહેતા અહેમદભાઇ પટેલે આક્ષેપ કર્યો હતો કે, મોદી સરકારે પાંચ વર્ષમાં દેશને લૂંટયો છે, તેઓ પાંચ દિવસ પણ રાજ કરવા લાયક નથી.

ભુજમાં ભાજપના સ્ટાર પ્રચારક પરેશ રાવલે રાહુલ ગાંધીને નકલી બ્રાહ્મણ કહ્યા હતા તે સમયે ભુજમાં જ ઉપસ્થિત રાહુલ ગાંધીને આ અંગે મીડિયાએ પૂછતાં તેમણે આ વિવાદિત નિવેદનને પરેશ રાવલનું અંગત નિવેદન ગણાવી જવાબ આપવાનું ટાળ્યું હતું. જોકે, મીડીયા સાથેની વાત દરમ્યાન રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર ભાઇમોદીને 'ફેલ' ગણાવ્યા હતા. તો, મંચ ઉપરથી જાહેર ભાષણ આપતા રાહુલ ગાંધીએ રાફેલ મામલે મોદી સરકાર ઉપર ભ્રષ્ટાચારનો આક્ષેપ કરતા ઉદ્યોગપતિ અનિલ અંબાણીને 'ચોર' કહી દીધા હતા. જો કોંગ્રેસની સરકાર બને તો ગરીબોને દર વર્ષે આપવાના ૭૨ હજાર રૂપિયા કોંગ્રેસ અનિલ અંબાણી જેવા ચોર ઉદ્યોગપતિઓ પાસેથી લઈને ગરીબોને અપાશે એવું જણાવ્યુ હતું. જોકે, રાહુલ ગાંધીએ નીરવ મોદી, વિજય માલ્યા, મેહુલ ચોકસીના નામો લઈને નરેન્દ્રભાઇ મોદી સરકારને ઉદ્યોગપતિઓની સરકાર ગણાવી હતી. કચ્છમાં અદાણી ગ્રુપને અપાયેલ જમીનો વિશે અને જીકે જનરલ હોસ્પિટલનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે, ઉદ્યોગપતિઓને જમીન તેમ જ લાખો કરોડો રૂપિયાની લોનો અપાય છે,પણ ખેડૂત સાથે દરેક મુદ્દે અન્યાય કરાય છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ભ્રષ્ટાચારના મુદ્દા સામે રાહુલ ગાંધીએ વિજય રૂપાણીને અડફેટે લેતા જણાવ્યું હતું કે ગુજરાતના મુખ્યમંત્રીએ જમીનોમાં થતા ભ્રષ્ટાચાર વિશે જાહેરમાં કબુલાત કરી હતી તે બતાવે છે કે, ભ્રષ્ટ્રાચારના મુદ્દે મોદી સરકારમાં શું ચાલી રહ્યું છે.

(12:39 pm IST)