Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

જય બજરંગબલીના નાદ સાથે સૌરાષ્ટ્ર-કચ્છમાં હનુમાન જયંતિની ઉજવણી

ગામે-ગામ શોભાયાત્રા, મહાઆરતી, મહાપ્રસાદ, સુંદરકાંડ પાઠ, હનુમાન ચાલીસા પાઠમાં ભાવિકો ઉમટયા

રાજકોટ, તા. ૧૯ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે હનુમાન જયંતિની ધામધુમથી ઉજવણી કરવામાં આવી રહી છે.

આજે સવારથી ગામે ગામે 'જય બજરંગબલી' ના નાદ ગુંજી રહ્યા છે અને શોભાયાત્રા, મહાઆરતી, મહાપ્રસાદ, સુંદરકાંડ પાઠ, હનુમાન ચાલીસા પાઠ સહિતના કાર્યક્રમો યોજાયા છે.

ખંભાળીયા

ખંભાળીયા : હનુમાન જયંતિ નિમિત્તે બજરંગ બલીના ભકતો સવારથી જ હનુમાન મંદિરોમાં .મટી પડયા હતાં તથા ઠેર ઠેર હનુમાન ચાલીસાના પાઠ તથા બજરંગ બાલાના પાઠ, બટુક ભોજન તથા રાત્રે ભજન તથા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા છે.

ખંભાળીયા શહેર જેમ શિવ મંદિરો માટે સમગ્ર ગુજરાત તથા વિદેશમાં પણ જાણીતું છે તેમ અહીંના અત્યંત પ્રાચીન તથા વિશિષ્ટ હનુમાન મંદિરો પણ અનોખા તથા ખૂબજ ચમત્કારીક માનવામાં આવે છે.

ખંભાળીયામાં હઠીલા હનુમાન, રંગીલા હનુમાન, મોઝીલા હનુમાન, રોકડીયા હનુમાન, બાલ હનુમાન, ફૂલેલિયા હનુમાન સહિતના અતયંત પ્રાચીન હનુમાન મંદિરો આવેલા છે જયાં પ્રત્યેક હનુમાન જયંતિના વિશિષ્ટ શૃંગાર સાથે દર્શન તથા ભજન રામધુન તથા અનેક કાર્યક્રમો યોજાય છે.

ખંભાળીયામાં મહાદેવવાડીમાં આવેલ સંકિર્તન મંદિર તથા કાનપર શેરડી ગામે નાનકડા ડુંગરની ટેકરી કરીને તેના પર બિરાજેલા હનુમાન મંદિરે પણ સવારે મારૂતિયજ્ઞ તથા રાત્રે સંતવાણી તથા વિવિધ પ્રતિભાનો સન્માન કાર્યક્રમ નારણભાઇ દેસૂરભાઇ જોગલ તથા સવદાસભાઇ દેશુર જોગલ અને રામદેભાઇ દેસુર જોગલ પરિવાર દ્વારા યોજાયો છે.

પ્રભાસપાટણ

પ્રભાસપાટણ : શ્રી સોમનાથ મંદિર ખાતે પૌરાણિક હનુમાનજીનું મંદિર આવેલ છે. સોમનાથ આવતા ભકતો હનુમાનજીના દર્શન અચૂક કરે છે. આ હનુમાન મંદિરે વિશેષ ધાર્મિક આયોજન કરવામાં આવેલ છે જે અંતર્ગત હનુમાનજીની મહાપૂજન સવારે ૮ કલાકે, શૃંગાર દર્શન બપોરના ૧ કલાકે, સુંદરકાંડ પાઠ સાંજે ૪થી ૬ તથા હનુમાન ચાલીસા પાઠ સાંજે પ થી ૭, હનુમાનજી આરતી સાંજે ૭ કલાકે આ તમામ કાર્યક્રમોમાં હાજરી આપવા નિમંત્રણ પાઠવ્યું છે.

ધ્રાંગધ્રા

ધ્રાંગધ્રા : શ્રી બાલા હનુમાનજી ફુલગલી મિત્ર મંડળ ટિફીન સેવા સંચાલિત શ્રીમતિ પુરીબેન વિજયલાલ ચુનીલાલ સંઘવી ચેરીટેબલ ટ્રસ્ટ અને સુરજ -પાર્વતી ભોજનાલય ઝાલા શ્રી બાલા હનુમાનજી મંદિર ખાતે બટુક ભોજન સહિતના કાર્યક્રમો સાંજે પ થી ૭ દરમિયાન યોજાયા છે.

(12:36 pm IST)