Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

કાશ્મીરમાં થી લશ્કર હટાવવા અને દેશદ્રોહનો કાયદો બદલવાના કોંગ્રેસના નિર્ણયથી લોકો ડરી ગયા છેઃ પરેશ રાવલ

માધાપર, ભુજમાં પરેશ રાવલની સટાસટી મહાગઠબંધનનું એક જ ટાર્ગેટ છે મોદી, હવે અમુક લોકો ચોકીદારથી શા માટે ગભરાય છે?, કોંગ્રેસનું હિન્દુત્વ એ ઢોંગ છે

ભુજ, તા.૧૯: મોરબી કચ્છ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાના ચૂંટણી પ્રચાર માટે આવેલા ફિલ્મ સ્ટાર પરેશ રાવલે માધાપર, ભુજમાં જાહેરસભા ઉપરાંત પત્રકાર પરિષદમાં કોંગ્રેસ અને મહાગઠબંધન સામે સટાસટી બોલાવી હતી. કોંગ્રેસે જે કામ ૭૦ વર્ષમાં ન કર્યું તે કામ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાંચ વર્ષમાં કરી અનેક સમસ્યાઓને ઉકેલી દીધી છે. જો હું, રાજકારણમાં ન હોત તો પણ 'મોદી સાહેબ'નો ભકત હોત. અમુક લોકો શા માટે ચોકીદારથી ગભરાય છે? મહાગઠબંધનનું એક જ ટાર્ગેટ છે, મોદી!! મહાગઠબંધન દેશના લોકોને ગુમરાહ કરવાનો પ્રયત્ન કરે છે, પણ ચોકીદારની સજાગતાના કારણે તેઓ ફીફા ખાંડી રહ્યા છે. કોંગ્રેસને આડે હાથ લેતા પરેશ રાવલે કહ્યું હતું કે, રાહુલ ગાંધીને હજી દ્યણું શીખવાનું બાકી છે. નવજોતસિંહ સિદ્ઘુ દ્વારા કરાતી મુસ્લિમોની આળપંપાળ ઉપર નિશાન તાકતા પરેશ રાવલે વ્યંગ કર્યો હતો કે કોંગ્રેસનું એ હિન્દુત્વ ઢોંગ છે. કોંગ્રેસ દ્વારા કાશ્મીરમાં લશ્કર હટાવવાના અને દેશદ્રોહના કાયદામાં ફેરફાર કરવાના નિર્ણયથી દેશના બહુમતી લોકો ડરી ગયા છે. રામમંદિર સહિતના મુદ્દે ચર્ચા કરતા પરેશ રાવલે જણાવ્યું હતું કે આ ચૂંટણીમાં વિકાસનો મુદ્દો જ નિર્ણાયક બનશે. સાંસદ તરીકેની કામગીરી માટે મોદી સાહેબ કલાસ લેશે તેવા આનંદીબેન પટેલની ટકોર સાચી પડી અને મોદી સાહેબ દ્વારા કામગીરીનો હિસાબ મંગાયો હોવાનું પરેશ રાવલે કબૂલ કર્યું હતું. જોકે, પોતે પોલિટિકલ કેરિયર બનાવવા માંગતા ન હોઈ માત્ર એક જ ટર્મ માટે સાંસદ રહી રાજકારણની એક જ ઇનિંગ રમીને ચૂંટણી મેદાનમાંથી જાતે હટી ગયા હોવાનો એકરાર પણ પરેશ રાવલે પત્રકાર પરિષદમાં કર્યો હતો.

(12:35 pm IST)