Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

કચ્છમાં એક જ 'દિ માં ૩ પાકિસ્તાની બોટ જપ્તઃ ઘુસણખોર ઝડપાયો

ક્રીક એરિયામાં બોર્ડર સિકયોરીટી ફોર્સ દ્વારા મેગા સર્ચ ઓપરેશન

ભૂજ, તા. ૧૯:  ગઈકાલ સાંજથી કચ્છનાં ક્રીક એરિયામાં બોર્ડર સિકયોરિટી ફોર્સ દ્વારા કરવામાં આવી રહેલા મેગા સર્ચ ઓપરેશનને ત્રીજી સફળતા મળી છે. મધરાતે બીએસએફની એમ્બ્યુસ પાર્ટીએ ક્રિકમાં ભારતીયા વિસ્તારમાંથી વધુ એક નાપાક બોટને ઝડપી લીધી હતી.

સરક્રીક તથા તેની આસપાસનાં ભારતીય જળ વિસ્તારમાં સીમા સુરક્ષા દળ દ્વારા બુધવાર સાંજથી જ મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં સૌ પ્રથમ સાંજે છ વાગ્યાના અરસામાં એક બોટ તથા પાકિસ્તાની દ્યૂસણખોર મળી આવ્યો હતો. ત્યારબાદ બીજી એક બોટને ઝડપી લેવામાં આવી હતી.

બે બોટને ઝડપી લીધા પછી બીએસએફનાં અનુભવી અધિકારીઓ પણ સ્થિતિને પામી ગયા હતા કે અહીં એક-બે બોટ નહિ પરંતુ નાપાક બોટનો કાફલો હોવો જોઈએ.

આથી રાતે પણ સર્ચ ઓપરેશન ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

અનુમાન પ્રમાણે રાતે બે વાગે ક્રિકમાં પોતાની નાવ લેવા માટે જેવા પાકિસ્તાનીઓ ભારતીય વિસ્તારમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો કે તરત જ ક્રિકમાં છુપાઈને બેઠેલા ભારતીય જવાનોને તેમને ઝડપી લેવાનો પ્રયાસ કર્યો હતો.

જોકે નાપાક તત્વો તેમના પાકિસ્તાનની બોર્ડરથી સાવ નજીક હોવાને કારણે તેઓ બોટ મૂકીને સરકી જવામાં સફળ રહ્યા હતા.

ત્યારબાદ બીએસએફ દ્વારા તેમની બોટને ઝડપી લેવામાં આવી હતી. અત્યાર સુધી કચ્છ બીએસએફના ઓપરેશનલ કમાન્ડર એવા સેકટર હેડ કવાર્ટરના ડેપ્યુટી આઈજી આઈ.કે.મહેતાની સીધી નિગરાની હેઠળ ચાલી રહેલા સર્ચ ઓપરેશનમાં ત્રણ બોટ અને એક શખ્સને ઝડપી લેવામાં આવ્યો છે.

જયા એક તરફ ક્રિકમાં પાણીમાં સીમા સુરક્ષા દળના જવાનો સ્પીડ બોટથી તમામ ક્રીકમાં તલાશી અભિયાન ચલાવી રહ્યા છે ત્યાં એરફોર્સનાં નલિયા એરબેઝથી અન મેન એરિયલ વિહિકલ(યુએવી) દવારા પણ ક્રીક એરિયામાં ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.(૯.૩)

(11:41 am IST)