Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

માધવપુર (ઘેડ) કોળી સમાજના ૩૭મા સમૂહલગ્ન યોજાયા : ૧૭ નવદંપતિઓના પ્રભુતામાં પગલા

પોરબંદર, તા. ૧૯ : માધવપુર(ઘેડ) કોળી સેવા સમાજ દ્વારા ૩૭મો સમૂહલગ્નોત્સવ સંપન્ન થયો હતો. જેમાં ૧૭ યુગલો જોડાઇને ભ્રૂણહત્યાથી દૂર રહેવા અને પર્યાવરણના જતન માટે એક-એક વૃક્ષ ઉછેરવાના સંકલ્પ લીધા હતાં.

સમૂહલગ્ન કારોબારી સમિતિના પ્રમુખશ્રી રમેશભાઇ કરગરીયાએ સૌ મહાનુભાવોને આવકાર્યા હતાં. આ પ્રસંગે માંગરોલ-માળીયાના ધારાસભ્ય બાબુભાઇ વાજા સત્કાર સમારંભમાં ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે, રાષ્ટ્રનું તેજસ્વી ભવિષ્ય નાગરિકોના ચરિત્ર નિર્માણ અવલંબીત છે. આ ચરિત્ર નિર્માણનું કાર્ય મહ્દઅંશે માતા કરે છે.

ગિરસોમનાથ ધારાસભ્ય વિમલભાઇ ચુડાસમા આજના જેટ વિજ્ઞાન યુગમાં અંધશ્રદ્ધા અને વ્યસનોનો વ્યાપ વધી રહ્યો છે જેના કારણે યુવા ધન નિર્માલ્ય બનતું જાય છે ત્યારે આવા યુવાધનને બચાવવા માટે દારૂ, તમાકુ, બીડી, સિગારેટ, ગુટકા જેવા માદક દ્રવ્યો ત્યજવાની અપીલ સાથે બિનજરૂરી ખર્ચાઓ ત્યજી સમૂહલગ્નોમાં જોડાવા આહ્વાન કર્યું હતું. જૂનાગઢ જિલ્લાના પૂર્વ ધારાસભ્ય જેઠાલાલ જોરાએ કોળી સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતી  લાવવા તેમજ સમાજમાંથી કુરિવાજો દૂર કરવા યુવાનોએ બીડુ ઉપાડવું પડશે તેમજ સમાજ કાયમી સંગઠીત રહે તે દિશામાં સૌ કોઇએ સમાજલક્ષી કાર્ય કરતું રહેવું પડશે તેમ જણાવેલ હતું.

માધવપુર કોળી સમાજના વરિષ્ઠ અગ્રણી પૂર્વ ધારાસભ્ય ભગવાનજી કરગટીયાએ સમૂહલગ્નનો મુખ્ય હેતુ સમાજમાં બિનજરૂરી ખર્ચાળ રીત-રિવાજોને તિલાંજલી આપવા અને ખંડનાત્મક સૂચનો ત્યજી પોતાના નાણા સમય ચિંતા, હાડમારી અને દેખાદેખીથી સમાજના લોકોને બચાવવા માટેનો છે.

જિલ્લા કોળી સમાજ પોરબંદરના અગ્રણી કેળવણીકાર ડો. ઇશ્વરલાલ ભરડાએ મહિલાઓ પોતાના રક્ષણ માટે સક્ષમ બને આર્થિક વિકાસ માટેની યોજનાનો લાભ ઉઠાવે આજના યુગમાં મહિલાઓને સીતા કે દ્રોપદી જેવા કષ્ઠ વેઠવા પડતા નથી, પરંતુ કાયદાકીય જ્ઞાન ન હોવાથી અત્યાચારનો ભોગ બનવું પડે છે. માંગરોલ માર્કેટીંગ યાર્ડના ચેરમેનશ્રી દાનાભાઇ બાલસે મહિલાઓને પગભર થવાની સાથે શિક્ષિત થવા પર ભાર મૂકયો હતો અને બાળકોને વધુને વધુ શિક્ષણ આપવા અપીલ કરી હતી. (૮.૪)

(10:03 am IST)