Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2024

દ્વારકામાં મહિલા કર્મચારીને છેડતી કરવા સબબ એસ.ટી.ના ટ્રાફીક ઇન્‍સ્‍પેકટર સામે ફરિયાદ

જામખંભાળિયા,તા. ૧૯: દ્વારકા એસ.ટી. વિભાગમાં ફરજ બજાવતા એક કર્મચારીએ મહિલાની છેડતી કરતા આ અંગે દ્વારકા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. ફરિયાદ મુજબ દ્વારકામાં રહેતા અને એસ.ટી. વિભાગના આસિસ્‍ટન્‍ટ ટ્રાફિક ઇન્‍સ્‍પેક્‍ટર તરીકે ફરજ બજાવતા દેવાભાઈ હાથીયા દ્વારા  સવારના સમયે એક મહિલા કર્મચારીની આબરૂ લેવાના ઈરાદાથી જબરદસ્‍તી કરવામાં આવી હતી, જે અંગે મહિલા કર્મચારીની ફરિયાદ પરથી દ્વારકા પોલીસ મથકમાં દેવાભાઈ હાથીયા સામે કલમ ૩૫૪ મુજબ ગુનો નોંધાયો છે. જે પ્રકરણમાં આગળની તપાસ પી.એસ.આઈ. આર.પી. રાજપુત દ્વારા હાથ ધરવામાં આવી છે.

સલાયામાં ગાંજાનો જથ્‍થો કબ્‍જે

સલાયા ગામે રહેતા ઓસમાણ હાજી ઘાવડાની વાડીની આગળના ભાગેથી પોલીસે સલાયાના હુસેની ચોક વિસ્‍તારમાં રહેતા અને ખાનગી કંપનીમાં સિક્‍યુરિટી વિભાગમાં ફરજ બજાવતા અકરમ રજાક ઈશા સંઘાર નામના શખ્‍સને રૂપિયા ૭૯,૪૬૦ની હિંમતનગર ૭.૯૪૬ કિલોગ્રામ ગાંજા સાથે ઝડપી લીધો હતો. આ પ્રકરણમાં પોલીસે મોબાઈલ, મોટરસાયકલ સહિત કુલ રૂપિયા ૨,૦૧,૬૧૦ નો મુદ્દા માલ કબજે કર્યો હતો.

આ પ્રકરણમાં અકરમ સંઘાર સાથે ફરારી એજાજ રજાક સંઘાર, રિઝવાન રજાક સંઘાર અને જીલ ઉર્ફે જીલીયો કેતનભાઈ વાઘેલા (રહે. ખંભાળિયા) સામે પણ પોલીસે એન.ડી.પી.એસ. એક્‍ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.

પોલીસ કર્મીને મારી નાખવાની ધમકી

સલાયામાં અગાઉ કલમ ૩૦૭ જેવા ગંભીર ગુનાઓમાં નામદાર હાઇકોર્ટ દ્વારા તેને દેવભૂમિ દ્વારકા જિલ્લાની હદમાં પ્રવેશ ન કરવાનો હુકમ કરાયો હતો. આ શખ્‍સ દ્વારા સલાયા ખાતે તેના રહેણાંક મકાનમાં આવી અને હાઇકોર્ટના હુકમનો ભંગ કરતા આના અનુસંધાને કોન્‍સ્‍ટેબલ માયાણી તેમજ અન્‍ય પોલીસ કર્મચારીઓ આ અંગે ચેકિંગ કરવા રિઝવાન રજાકના ઘરે જતા અહીં રિઝવાન તેમજ તેના પત્‍ની હાફિયા રિઝવાન સંઘારએ પોલીસની ફરજને રોકવા અને સ્‍વૈચ્‍છિક રીતે પોતાને ઇજાગ્રસ્‍ત કરવા માટે પોતાના હાથમાં રહેલી બ્‍લેડ વડે પોતાને ઇજાઓ પહોંચાડી હતી.

 આટલું જ નહીં, પોલીસ કર્મચારીઓની સલામતીને જોખમમાં મૂકી, આ દંપતીએ પોલીસને બિભત્‍સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું પણ વધુમાં જાહેર થયું છે.

 આ સમગ્ર પ્રકરણ અંગે સલાયા મરીન પોલીસે આરોપી દંપતિ સામે આઈ.પી.સી. કલમ ૧૮૬, ૩૩૬, ૫૦૪, ૫૦૬ (૨) તથા ૧૧૪ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.

(1:41 pm IST)