Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2024

રિલાયન્‍સ સામે પદયાત્રીઓ માટે સોૈથી મોટો સેવા કેમ્‍પઃ રોજ ૫૦૦૦ જેટલા યાત્રાળુ લાભ લે છે

જામનગરઃ હોળી ધુળેટીના પર્વ નજીક છે ત્‍યારે સમગ્ર ગુજરાત અને આસપાસ ના રાજ્‍યોમાંથી ભગવાન શ્રીકળષ્‍ણ સાથે ફૂલડોલ ઉત્‍સવ રમવા મોટી સંખ્‍યામાં પદયાત્રીઓનો પ્રવાહ દ્વારકા તરફ રવાના થયો છે. જામનગર થી દ્વારકા તરફના રસ્‍તે ઠેર ઠેર સેવા કેમ્‍પો લાગ્‍યા છે. આ સેવા કેમ્‍પમાં પદયાત્રીઓ માટે ચા પાણી, નાસ્‍તો, જમવા તેમજ રાત્રિ રોકાણ માટે ખાસ સુવિધા કરવામાં આવી છે.

 ખંભાળિયા હાઇવે પર રિલાયન્‍સ ઇન્‍ડસ્‍ટ્રીઝ દ્વારા રિલાયન્‍સ સામે પણ ખાસ સૌથી મોટો સેવા કેમ્‍પ રાખવામાં આવ્‍યો છે. ખાસ સેવા કેમ્‍પમાં દરરોજ અંદાજિત ૫૦૦૦ જેટલા પદયાત્રીઓ માટે વિસામો, ચા પાણી, નાસ્‍તો ઉપરાંત રાત્રી રોકાણ અને બંને ટાઈમ જમવા માટેની અલાયદી વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. એક દાયકા કરતાં વધુ સમયથી રિલાયન્‍સ ઇન્‍ડસ્‍ટ્રીઝ દ્વારા ગ્રુપ પ્રેસિડેન્‍ટ ધનરાજભાઈ  નથવાણીના માર્ગદર્શન હેઠળ  રિલાયન્‍સની સમર્પિત ટીમ અને આસપાસના ગામોના સ્‍વયંસેવકો યાત્રાળુઓની તીર્થયાત્રા સલામત અને પરિપૂર્ણ નીવડે તેવા પૂરતા પ્રયાસો કરેછે.  એજ રીતે લાલપુર બાયપાસ નજીક શ્રી દ્વારિકાધીશ હોટેલ દ્વારા સંચાલિત અને રજવાડું હોટેલ નજીક આર. ટી. ઓ. દ્વારા શરૂ કરાયેલા કેમ્‍પનો પણ યાત્રીઓ લાભ લઈ રહ્યા છે. (અહેવાલ મુકુંદ બદિયાણી તસવીરઃ કિંજલ કારસરીયા, જામનગર)

(1:31 pm IST)