Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2024

મોરબી : રેટ ચાર્ટ સંદર્ભે રાજકીય પક્ષો સાથે જીલ્લા ચુંટણી અધિકારીએ બેઠક યોજી.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : આદર્શ આચારસંહિતાને અમલી બને તથા મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટેની કામગીરીના ભાગરૂપે મોરબી જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર કે. બી. ઝવેરીએ જિલ્લાના વિવિધ રાજકીય પક્ષના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી.

આ બેઠક અન્વયે રાજકીય પક્ષો સાથે મંડપ, લાઉડ સ્પીકર, વાહનો, હોર્ડિંગ વગેરે અંગેના રેટ ચાર્ટ, ખર્ચ અને હિસાબો ઉપરાંત આદર્શ આચાર સંહિતા અમલીકરણ અને તેના હેતુઓ વગેરે વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. રાજકીય પક્ષો સાથે ચર્ચા વિચારણા કરી રેટ ચાર્ટમાં વિવિધ રેટ પણ નિર્ધારિત કરવામાં આવ્યા હતા.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી જે. એસ. પ્રજાપતિ, નિવાસી અધિક કલેકટર એસ.જે. ખાચર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક એન. એસ. ગઢવી, જિલ્લા નાયબ ચૂંટણી અધિકારી કુલદીપસિંહ વાળા, જિલ્લા પુરવઠા અધિકારી સંદિપ વર્મા, વાંકાનેર નગરપાલિકા ચીફ ઓફિસર ગિરીશ સેરૈયા, સહાયક માહિતી નિયામક ઘનશ્યામ પેડવા ઉપરાંત માર્ગ અને મકાન વિભાગ, પીજીવીસીએલ, બીએસએનએલ, આરટીઓ સહિત વિવિધ વિભાગના અધિકારી/કર્મચારીઓ તેમજ વિવિધ રાજકીય પક્ષના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા

(1:01 am IST)