Gujarati News

Gujarati News

News of Saturday, 18th March 2023

વિંછીયાનાં સ્થાનિક પ્રશ્નો અંગે સમીક્ષા બેઠક યોજતા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા

લોકોપયોગી કાર્યો સંપુર્ણ જવાબદારી સાથે સત્વરે પૂર્ણ કરવા તાકીદ કરતા મંત્રી બાવળીયા

રાજકોટ :રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાનાં સ્થાનિક પ્રશ્નો અંગે ગુજરાત સરકારના જળ સંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગનાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાનાં અધ્યક્ષસ્થાને વિંછીયા તાલુકા સેવા સદન ખાતે વિવિધ વિભાગના અધિકારીઓ અને આગેવાનો સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં મંત્રી બાવળીયાએ સિંચાઈ, માર્ગ - મકાન, સૌની યોજના, પી.જી.વી.સી.એલ., પુરવઠા વિભાગ, પંચાયત, આવાસ, શિક્ષણ સહિતના જુદા જુદા વિભાગના અધિકારીશ્રીઓ સાથે વિંછીયા પંથકમાં થઈ રહેલા વિકાસ કામો જેવા કે, પીવાના પાણીની પાઈપલાઈન, રોડ રસ્તા, પેવર બ્લોક, ભૂગર્ભ ગટરની કામગીરી, લાઈબ્રેરી માટે નવી જગ્યા ફાળવણી, આરોગ્ય કેન્દ્રના કામો, રોડ રસ્તા ઉપર થયેલા દબાણો હટાવવા, નવા સર્કિટ હાઉસ માટે જગ્યા, નવા ગામતળ માટે જગ્યા, જુદા જુદા ગામોમાં ચાલતાં વાસ્મોના કામ, માધ્યમિક શાળાના બાંધકામો, સી.સી.ટી.વી., રમત ગમતના નવા મેદાન સહિતના વિકાસકામોની જાણકારી મેળવી હતી.

અધિકારીશ્રીઓએ રજૂ કરેલા વિકાસ કામોમાં અડચણરૂપ બનતાં પ્રશ્નોના નિરાકરણ માટે મંત્રીએ જરૂરી સૂચનો તથા યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. વિંછીયા તાલુકાના વિકાસકામો સંપુર્ણ જવાબદારી સાથે સત્વરે પૂર્ણ કરવા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ તાકીદ કરી હતી. તદુપરાંત આયુષ્માન કાર્ડ, ઈ-શ્રમ કાર્ડની કામગીરીની વિગતો મેળવી મળવાપાત્ર તમામ લાભાર્થીઓને સત્વરે લાભાન્વિત કરવા સંબંધિત અધિકારીઓ તથા આગેવાનોને ટકોર કરી હતી.

આ બેઠકમાં વિંછીયા તાલુકાના આગેવાનો, જસદણ પ્રાંત અધિકારી રાજેશ આલ, પી.એસ.આઈ. શ્રી આઈ.ડી.જાડેજા, જિલ્લા રમત ગમત અધિકારી રમા મદ્રા, કાર્યપાલક ઈજનેર પ્રેક્ષા ગોસ્વામી, તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, આરોગ્ય વિભાગ, માર્ગ અને મકાન, પાણી પુરવઠા બોર્ડ, સિંચાઈ વિભાગ, શિક્ષણ વિભાગ, પી.જી.વી.સી.એલ.,નાગરીક પુરવઠા નિગમ સહિત સંબંધિત તમામ વિભાગનાં અધિકારીઓ, કર્મચારીઓઓ ઉપસ્થિત રહ્યા હતાં.

(1:14 am IST)