Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

સોમનાથ મંદિરમાં રપ માર્ચે યોજાનાર સુવર્ણ કળશ પ્રતિષ્ઠા મહોત્સવ રદઃ 'નેટ' દ્વારા દર્શન કરજો

મંદિરમાં ભીડ ન થાય તેની તકેદારીઃ દિ'માં ૩ થી ૪ વખત ફિનાઇલના પોતાઃ કપૂર-ગુગળનો ધૂપ શરૃ : સોમનાથ ખાતે અદાણી સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટરમાં માસ્ક બનાવવાનું ટ્રસ્ટે શરૃ કર્યુઃ ટ્રસ્ટના પ્રમુખશ્રી કેશુભાઇ પટેલ અને ટ્રસ્ટી સક્રેટરી શ્રી પી. કે. લહેરીએ ચર્ચા કરી નિર્ણયો લીધા

પ્રભાસ પાટણ તા. ૧૯ :  ગાંધીનગર ખાતે સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષશ્રી કેશુભાઇ પટેલના નિવાસ સ્થાને ટ્રસ્ટના ટ્રસ્ટી સેક્રેટરી શ્રી પી. કે. લહેરી અને કેશુભાઇને મળ્યા હતાં.

કોરોના વાઇરસ સંદર્ભે શ્રી સોમનાથ મંદિર તથા અન્ય અતિથીગૃહોની સેવા બાબતે ચર્ચા કરી હતી. જેમાં નિર્ણય લેવામાં આવ્યો છ કે, કોરોના વાયરસની મહામારીને ધ્યાનમાં રાખી તા. રપ માર્ચેનો 'સુવર્ણ કળશ પ્રતિષ્ઠા'નો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભાવિકોને (દર્શન ફ્રોમ હોમ) સોશ્યલ મીડીયાના માધ્યમથી સોમનાથજીના દર્શન કરવા પણ અપીલ કરવામાં આવી છે. ટ્રસ્ટની વેબ સાઇટ www.somnath.org,  ફેસબુક, ટવીટર, ઇન્સ્ટાગ્રામ, સોમનાથ યાત્રા એપના માધ્યમથી પણ દર્શન કરવા વિનંતી કરવામાં આવે છે.

શ્રી સોમનાથ ટ્રસ્ટના અતિથિગૃહોમાં રોકાતા યાત્રિકોનું પણ ટેમ્પરેચર ચેક કરવામાં આવ છ. આ માટે સ્કેનીંગ મશીન પણ મુકવામાં આવ્યા છે. ટ્રસ્ટના, પોલીસ, એસ. આર. પી. તેમજ ફરજ પરના તમામ સ્ટાફને માસ્ક આપવામાં આવ્યા છે. જેમ જરૃરીયાત જણાય તેમ સોમનાથ ખાતેના અદાણી સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટરમાં આ માસ્ક બનાવવાની કામગીરી ટ્રસ્ટ દ્વારા જરૃરી મટીરીયલ્સ પુરૃ પાડી કાપડમાંથી થ્રી લેયર માસ્ક બનાવવાનું શરૃ કરવામાં આવ્યું છે. શ્રી સોમનાથ મંદિર તેમજ અતિથિગૃહમાં પણ રેલીંગ, ફલોરીંગ વિગેરે જગ્યાએ ફિનાઇલના પોતાથી દિવસમાં ૩ થી ૪ વખત સફાઇ કરવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. શ્રી સોમનાથ મંદિરમાં આરતી દરમ્યાન કે દર્શનમાં ભીડ ન થાય તે રીતે હાલ દર્શનની વ્યવસ્થા કરી છે. સોમનાથ મંદિરે ચાલતો લાઇટ એન્ડ સાઉન્ડ શો પણ બંધ કરવામાં આવ્યો છે. તેમજ ટ્રસ્ટના ઓડીટોરીયમમાં પણ કોઇ કાર્યક્રમો ન કરવા સુચના આપવામાં આવી છે. કોરોના વાયરસને લઇને સાવચેતી રાખવા માટેના હોર્ડીંગ,  - બેનરો પણ મુકવામાં આવ્યા છે, શ્રી સોમનાથ મંદિરમાં કપુર, ગુગળનો ધુપ કરવાનું શરૃ કર્યુ છે. મંદિર દર્શન માટે પરિસ્થિતિને ધ્યાનમાં રાખી યોગ્ય નિર્ણય કરવામાં આવશે.

(11:47 am IST)