Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

ખંભાળિયાના નાના આંબલા ગામે માનસિક બિમારીથી કંટાળી યુવાને જીવાદોરી કાપી

નુરમામદ ગજણના અંતિમ પગલાથી પરિવારમાં અરેરાટી

ખંભાળીયા તા. ૧૯ : તાલુકાના નાના આંબલા ગામે માનસિક બિમારીથી કંટાળી જઇ મુસ્લિમ યુવાને ગળાટુંપો ખાઇ જીવન લીલા સંકેલી લેતા તેના પરિવારજનોમાં કલ્પાંત પ્રસરી જવા પામ્યોછે

વિગત મુજબ નાના આંબલા ગામે રહેતા નુરમામદ મામદભાઇ ગજણ (ઉ.૩ર) એ છેલ્લા કેટલાક સમયથી માનસિક બિમારીની દવા ચાલુ હોવા છતા પણ કોઇ ફરક નહિ પડતા ત્રાસી જઇ પોતાના ઘરે ગળા ફાંસો ખાઇ લીધો હતો આ અંગે પોલીસે જરૂરી કાગળો કર્યા હતા.

દરિયામાં ડુબી જતા અજાણ્યા આધેડનું મોત

બીજા બનાવમાં દ્વારકાના ગોમતીઘાટ કિનારે આવેલ સંગમ નારાયણ મંદિર પાસે કોઇ અજાણ્યા પ૦ થી ૬૦ વર્ષના પુરૂષનું અકસ્માતે દરિયામાં ડુબી જવાથી મોત નિપજતા પોલીસે જરૂરી કાગળો કરી વાલીવારસની શોધખોળ આદરી છે.

મિત્રોએ મશ્કરી કરતા ખાર રાખી માર માર્યો

ત્રીજા બનાવમાં ખંભાળીયામાં બસ સ્ટેન્૯ પાછળ રહેતા દીલીપભાઇ ધનજીભાઇ વાઘેલાના પુત્ર મયુરભાઇના મીત્રોએ કરેલી મશ્કરીનો ખાર રાખી અનીરૂધ્ધસિંહ જાડેજાએ ઉશ્કેરાઇ જઇ અપશબ્દો બોલી મયુરભાઇને લાકડાના ધોકાવડે માર મારી નાકમાં ફેકચર જેવી ઇજા કરી હતી. આ અંગે પોલીસ ફરિયાદ નોંધાતા તપાસ આગળ ધપી છે.

યુવાને ઝેર ગટગટાવ્યું

જયારે ચોથા બનાવમાં ખંભાળીયા ખાતે પાયલ હોસ્પીટલ પાછળ રહેતા દિલી મનુભઇ માતંગે કોઇ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લેતા સારવારમાં ખસેડાયા છે. આ અંગે પોલીસે જરૂરી કાગળો કરી આપઘાતના પ્રયાસ પાછળનું કારણ જાણવા તપાસ આદરી હતી.

(2:35 pm IST)