Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

ઉનામાં ગુલીસ્તા સ્કૂલમાં મધમાખીનું ઝુંડ ત્રાટકયું

૨૦થી વધુ વિદ્યાર્થીઓને અસર

અમદાવાદ, તા.૧૯ : ઉનાના અમોદ્રા રોડ પર આવેલી ગુલીસ્તા સ્કૂલમાં ચાલુ કલાસે ઝેરી મધમાખીનું ઝુંડ ધૂસી જતા વિદ્યાર્થીઓમાં અફરાતફરી અને નાસભાગનો માહોલ સર્જાયો હતો. મધમાખીઓએ ડંખ મારતાં ગંભીર અસર પામેલા ૨૦થી વધુ વિદ્યાર્થીઓને તાત્કાલિક સારવાર માટે ઉનાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. બીજીબાજુ, આ ધટનાને લઇ સ્થાનિક વનવિભાગ પણ દોડતુ થયુ હતુ અને સમગ્ર મામલે જરૂરી તપાસ હાથ ધરવામાં આવી હતી. ગીર સોમનાથના અમોદ્રા રોડ પર આવેલી ગુલીસ્તા સ્કૂલમાં આજે મધમાખીનું ઝુંડ ત્રાટકયુ હોવાની ગંભીર ધટના સામે આવી હતી.

         અચાનક ચાલુ કલાસમાં મધમાખીનુ ઝુંડ ધુસી જતા અફરા-તફરીનો માહોલ જોવા મળ્યો છે. આશરે ૨૦થી વધુ વિદ્યાર્થીઓને મધમાખીએ ડંખ માર્યા હતા, જેના કારણે વિદ્યાર્થીઓને ગંભીર અસર થતાં તમામને તાત્કાલિક સારવાર માટે ઉના સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. આ અંગે તાબડ તોડ વનવિભાગને જાણ કરવામાં આવી હતી. સ્કૂલની પાસે આવેલી નાળિયેરીના ઝાડમાં ઝેરી મધમાખીનું ઝુંડ રહેતું હતું. આ અંગે સ્કૂલ દ્વારા વન વિભાગને જાણ પણ કરવામાં આવી હતી છતાં કોઇ કાર્યવાહી ન કરતા આજે વિદ્યાર્થીઓના જીવ પર જોખમ આવ્યું હતું. ધટનાને લઇ સ્કૂલ તંત્ર અને વાલીઓમાં પણ ભારે દોડધામ મચી ગઇ હતી.

(9:48 pm IST)