Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

વઢવાણમાં રેલવે એજન્ટે ડમી આઇડી પરથી કાઢેલી ૧૩૧ ટિકિટ સાથે પકડાયો

વઢવાણ, તા.૧૮: વઢવાણના શિયાણીની પોળ પાસે આવેલી દુકાનમાં એક શખ્સ રેલવે ટીકીટની કાળાબજારી કરતો હોવાની બાતમીને આધારે રેલવે આરપીએફની રાજકોટ ક્રાઇમ બ્રાંચની ટીમે દરોડો કર્યો હતો. જેમાં એક યુવાનને રેલવેની ટીકીટ અને સીપીયુ સહિત રૂપિયા ૪.૭૫ લાખના મુદ્દામાલ સાથે પકડી પડાયો છે. યુવાન પોતે એજન્ટ હોવા છતાં પર્સનલ આઇડીમાંથી રેલવેની ટીકીટો કાઢતો હતો.જેમાં મુખ્યત્વે ટિકિટ હરિદ્ઘારની હોવાનું ખુલ્યું છે.

સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતી ટ્રેનોમાં કાયમ રીઝર્વેશન ફૂલ જ રહે છે. આથી તત્કાલ રીઝર્વેશન માટે રેલવે સ્ટેશનો પર પણ લાંબી લાઇનો લાગે છે. ત્યારે વઢવાણના એક યુવાનને રેલવે આરપીએફની ક્રાઇમ બ્રાંચે ટીકીટની કાળા બજારી કરતો ઝડપી લીધો છે. આ અંગે મળતી માહિતી મુજબ વઢવાણના શિયાણીની પોળ પાસે પ્રહલાદ ફોટા સ્ટુડીયોનો માલીક પ્રહલાદ ઝવેરભાઇ મકવાણા રેલવે ટીકીટના એજન્ટ તરીકે કામ કરે છે.

આ શખ્સ રેલવેની ટીકીટના કાળા બજાર કરતો હોવાની માહિતી રાજકોટ આરપીએફ ક્રાઇમ બ્રાંચને મળી હતી. આથી ક્રાઇમ બ્રાંચના પીઆઇ એ.જે.ચૈત્યા અને સુરેન્દ્રનગર પીઆઇ આઇ.એચ.સૈયદની સૂચનાથી ધીરજકુમાર, પ્રવીણકુમાર, સુરેન્દ્રનગર આરપીએફના વિજયદાન ગઢવી, હેમંત મકવાણા, રાજેન્દ્રકુમાર ઝાલા સહિતનાઓએ દરોડો કર્યો હતો. જેમાં પ્રહલાદ મકવાણા પાસેથી ૧૩૧ નંગ રેલવેની ટીકીટો મળી આવી હતી. જયારે ૯૧ ટીકીટોની યાત્રાની તારીખ બાકી હતી. આથી રૂપિયા ૪,૦૪,૪૯૨દ્ગક રેલવે ટીકીટો, સીપીયુ,કીબોર્ડ સહિત રૂપિયા ૪,૭૫,૬૧૨ના મુદ્દામાલ સાથે પ્રહલાદ મકવાણાની ધરપકડ કરાઇ હતી. પોલીસની તપાસમાં આ શખ્સ આઇઆરસીટીસી માન્ય રેલવેનો એજન્ટ હતો જ. પરંતુ પર્સનલ આઇડીમાંથી ટીકીટ કાઢતો હતો.

રેલવેની તત્કાલ રીઝર્વેશનની સાઇટ ૧૧ વાગે ખૂલે છે. જયારે એજન્ટો માટે તે ૧૧.૧૫ કલાકે ખૂલે છે. આથી ૧૧ કલાકે આ શખ્સ પર્સનલ આઇડીમાંથી ફટાફટ ટીકીટો બૂક કરી દેતો હતો.

વઢવાણનો ૩ વર્ષથી આ રીતે પર્સનલ આઇડી બનાવીને ટીકીટો કાઢતો હોવાનું બહાર આવ્યુ છે. છેલ્લા ત્રણ વર્ષમાં તેણે કેટલી ટીકીટો કાઢી હશે તે તપાસ ચાલી રહી છે. તેના કમ્પ્યૂટરમાંથી ૫૯ ડમી યુઝર આઇડી મળ્યા હતા.

વઢવાણમાં રહેતો શખ્સ પ્રહલાદ મકવાણા બીજીવાર આરપીએફ ટીમના હાથે ટીકીટની કાળા બજારીમાં ઝડપાયો છે. વર્ષ ૨૦૧૮માં પણ તેને ત્યાં આરપીએફની ટીમે દરોડો કરીને તત્કાલ ટીકીટ પર્સનલ આઇડીમાંથી કાઢતો તેને ઝડપી લીધો હતો. પરંતુ જામીન લાયક ગુનો હોવાથી તેણે છુટીને ફરી આ ધંધો શરૂ કર્યો હતો.

(1:11 pm IST)