Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

શિવરાત્રી મેળાનું મુખ્ય આકર્ષણ રવાડીમાં પ્રથમ વખત કિન્નર અખાડો પણ જોડાશે

આજે મેળાનો બીજા દિવસ, એસ.ટી.નું ભાડું યથાવત

જુનાગઢ તા. ૧૮: ભવનાથમાં ગઇકાલથી શરૂ થયેલ શિવરાત્રી મેળાનું મુખ્ય આકર્ષણ રવાડીમાં પ્રથમ વખત કિન્નર અખાડો પણ જોડાશે તેમ જાણવા મળેલ છે.

ગરવા ગિરનારની ગોદમાં ભવનાથ દાદાનાં સાનિધ્યમાં તળેટી ખાતે ગઇકાલથી શરૂ થયેલ મહા શિવરાત્રીનાં મેળાનો આજે બીજો દિવસ છે. પાંચ દિવસનાં આ મેળામાં પ્રથમ દિવસે ભાવિકોની ઓછી હાજરી રહી હતી. પરંતુ આજથી માનવ મહેરામણ વધવાની શકયતા છે.

મેળાનો પ્રારંભ થવાની સાથેજ ભવનાથમાં અન્નક્ષેત્રો ધમધમવા લાગ્યા છે અને દિવસ ઉપરાંત રાત્રીના સંતવાણીનાં કાર્યક્રમોની જમાવટ થઇ ગઇ છે.

મહા શિવરાત્રી મેળાને લઇ એસ.ટી. નિગમ દ્વારા બસ સેવા શરૂ કરી દેવામાં આવી છે. અને ગત વર્ષનું ભાડું યથાવત રાખવામાં આવેલ છે.

મેળા સંદર્ભે ચુસ્ત સુરક્ષા પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે. ડીઆઇજી મનીન્દર પ્રતાપસિંહ પવાર, એસપી સૌરભસિંઘ, ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા સહિતનાં અધિકારીઓ દરેક હિલચાલ પર નજર રાખી રહ્યા છે.

જુનાગઢનાં રેલ્વે સ્ટેશન પર પણ આરપીએફ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે. બોમ્બ સ્કવોર્ડ અને સ્નીફર ડોગ દ્વારા તલાશી લેવાઇ રહી છે.

દરમ્યાનમાં મેળાનું મુખ્ય આકર્ષણ મેળાનાં અંતિમ દિવસે શિવરાત્રી નીકળતી સાધુ-સંતોની રવાડીમાં આ વર્ષે પ્રથમ વખત કિન્નર અખાડો પણ જોડાશે.

જુના અખાડા, અગ્નિ અખાડા અને આહવાન અખાડાની સાથે કિન્નર અખાડો પણ રવાડીમાં જોડાયને શિવ ભકિતમાં લીન થશે.

ગત વર્ષે પ્રયાગરાજ ખાતે જુના અખાડા સાથે કિન્નર અખાડાને જોડવામાં આવેલ અને જુના અખાડા સાથે જોડાયેલા કિન્નર અખાડાના આચાર્ય મહામંડલેશ્વર લક્ષ્મીનારાયણ નંદગીરી તેમની સામે દિલ્હીનાં મહા મંડલેશ્વર પૂજા ચૌહાણ વગેરે આમંત્રણને માન આપી ગઇકાલથી મેળામાં પધાર્યા છે.

મેળાનાં પાંચ દિવસ કિન્નર અખાડો ભવનાથ રોકાણ કરશે અને અંતિમ દિવસે રવાડીમાં જોડાશે.

કિન્નર અખાડામાં મહામંડલેશ્ર લક્ષ્મીનારાયણજીએ પોસ્ટ ગ્રેજયુએશન સુધીનો અભ્યાસ કરેલ છે અને તેઓ ભરત નાટયમના અચ્છા જાણકાર પણ છે.

(12:14 pm IST)