Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

કચ્છમાં ૧ મી. એકર ફીટ વધારાના પાણી માટે વહીવટી મંજૂરી

ભુજ,તા. ૧૯: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કચ્છના પ્રાણપ્રશ્ન સમી નર્મદાના અતિરિકત જળ યોજનાને વહીવટી મંજૂરી આપતા કચ્છ જિલ્લા ભાજપ અઘ્યક્ષ કેશુભાઈ પટેલે આજના દિવસને ઐતિહાસિક ગણાવીને આગામી સમયમાં કચ્છની દશા અને દિશા બદલનાર આ નિર્ણય બદલ રાજય સરકાર પ્રત્યે પૂર્ણ કૃતજ્ઞતા વ્યકત કરી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી હતી. તેમજ ગત અઠવાડીયે કચ્છના પ્રતિનિધી મંડળે સામુહિક રીતે પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલ ને પણ ઉપરોકત બાબતે રજૂઆત કરી હતી જેનો અત્યંત અલ્પ સમયમાં સાનુકુળ પ્રતિસાદ મળતા સી.આર. પાટીલનો પણ કેશુભાઈ પટેલે આભાર માન્યો હતો. આ ઉપરાંત જળ સંપતિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રી ઋષિકેશભાઈ પટેલ તેમજ નર્મદા વિભાગના સર્વે અધિકારીઓ પ્રત્યે પણ આ નિર્ણય બદલ કૃતજ્ઞતા વ્યકત કરી હતી.

શ્રી કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે, અગાઉ રાજય સરકાર દ્વારા કચ્છને વધારાનું ૧ મી.એકર ફીટ પાણી મળશે એ અંગે જાહેરાત કરી સૈઘ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી. આ જાહેરાત થકી કચ્છવાસીઓએ કચ્છમાં હરિતક્રાંતિનું સ્વપ્ન નિહાળ્યું હતું અને આવનારો સમય કચ્છની ખેતી માટે સુવર્ણદાયી રહેશે એવી આશા બંધાણી હતી. સર્વે કચ્છીજનોની લાગણીના પડઘા સ્વરૂપે ગત અઠવાડીયે સમગ્ર કચ્છ ભાજપનું પ્રતિનિધી મંડળ મુખ્યમંત્રીશ્રી અને પ્રદેશ ભાજપ અઘ્યક્ષશ્રીને રૂબરુ મળીને તેઓને કચ્છની રૈયતનું સ્વપ્ન ઝડપભેર સાકાર કરવા રજૂઆત કરવામાં આવી હતી જેના પ્રતિસાદ સ્વરૂપે ઉકત બન્ને મહાનુભાવોએ કચ્છનો આ પ્રાણપ્રશ્ન ખૂબ ઝડપથી ઉકેલવાની ધરપત આપી હતી.

કચ્છના પ્રતિનિધી મંડળની રજૂઆતના એક સપ્તાહની અંદર જ આ મહત્વપૂર્ણ જાહેરાત થતા સમગ્ર કચ્છવાસીઓના હૈયામાં ખુશીઓનો કોઈ પાર નથી સમાતો. કચ્છના કિસાનો, કચ્છના માલધારીઓ સહિત પ્રત્યેક કચ્છીના હૈયા આ જાહેરાત બાદ નર્મદાના નીરથી કચ્છને નંદનવન થતું જોવા માટે પુલકિત થયા છે કચ્છે અપૂરતા વરસાદ અને અલ્પ જળ સંગ્રહની પરિસ્થિતીમાં ટાંચા સાધનો વડે પણ ખેતીમાં રાષ્ટ્રીય સ્તરે ખૂબ નોંધપાત્ર કાઠું કાઢયું છે ત્યારે આવનારા સમયમાં કચ્છની ખેતી આસમાની ટોચને સ્પશે એમાં શંકાને કોઈ સ્થાન નથી.

આ પ્રસંગે એક જૂટ થઈને એકી અવાજે રજૂઆત કરનાર પ્રતિનિધી મંડળમાં સામેલ વિધાનસભા અઘ્યક્ષા ડો.નિમાબેન આચાર્ય, કચ્છના પ્રભારી મંત્રી કીર્તીસિંહ વાઘેલા, પ્રદેશ ભાજપ મહામંત્રી અને સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયત અઘ્યક્ષા પારૂલબેન કારા, ધારાસભ્યો વાસણભાઈ આહિર, વિરેન્દ્રસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, પ્રઘ્યુમનસિંહ જાડેજા સહિત કચ્છના જનપ્રતિનીધીઓ તેમજ જિલ્લા ભાજપ સંગઠનનો પણ તેમણે સવિશેષ આભાર માન્યો હોવાનું કચ્છ જિલ્લા ભાજપ મીડીયા ઈન્ચાર્જ સાત્વિકદાન ગઢવીની યાદીમાં જણાવાયું હતું.

(11:14 am IST)