Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

કચ્છના ચોબારી ગામે આહીર યુવાનની બંદૂકના ભડાકે હત્યા

ગામના જ યુવાને ૪ રાઉન્ડ ગોળી છોડી ભડાકે દીધો, એક જ યુવતી સાથે બે યુવાનો વચ્ચે સંબંધો રાખવાના મુદ્દે ચાલતી ટસલ હત્યાનું કારણ બની હોવાની ચર્ચા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ::: કચ્છના ભચાઉ નજીક ખારોઈ અને ચોબારી ગામ વચ્ચે ૨૯ વર્ષીય યુવાન માવજી ભૂરા વરચંદ (આહીર) ની બંદૂકના ભડાકે હત્યા કરાતા ચકચાર મચી ગઇ છે. હત્યા કરનાર શામજી વિસા વરચંદ (આહીર) નામનો યુવાન હત્યા કર્યા બાદ ફરાર થઈ ગયો હતો. બન્ને યુવાનો ચોબારી ગામના રહીશ છે. ગામની નર્મદા કેનાલ સાથેના રોડ ઉપરથી પસાર થઈ રહેલા માવજી ઉપર શામજીએ બંદૂકના ચાર રાઉન્ડ ફાયર કર્યા હતા. બંદૂકના ધડાકાથી લોકો દોડી આવતા આરોપી શામજી નાસી છૂટયો હતો. દરમ્યાન શરીરમાં બંદૂકના છરા ઘૂસી જતાં ગંભીર હાલતમાં ઇજાગ્રસ્ત માવજીને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો પણ બેભાન અવસ્થામાં જ સારવાર દરમ્યાન તેનું મોત નિપજ્યું હતું. ચોબારી ગામના જ રહેવાસી આ બે આહીર યુવાનો વચ્ચે એક જ યુવતી સાથે સબંધો રાખવાના મુદ્દે ચારેક વર્ષથી ટસલ ચાલતી હોવાનું ગામના ચર્ચાઈ રહ્યું છે. જોકે, હત્યા બાદ માવજી નાસી છૂટ્યો હોઈ પોલીસે તેને ઝડપવા કાર્યવાહી હાથ ધરી છે.

(9:34 am IST)