Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

કચ્છમાં નર્મદાના પાણી માટે ૪૩૬૯ કરોડના કામો મંજૂર કરતા ભૂપેન્દ્રભાઇ

મુંદ્રા, અંજાર, માંડવી, રાપર, ભુજ અને નખત્રાણાના ૭૭ ગામોને સિંચાઇની સુવિધા મળશે

રાજકોટ તા. ૧૮ : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજયના સરહદી જિલ્લા કચ્છ માટે નર્મદાના વધારાના ૧ મિલીયન એકર ફીટ પાણીના ઉપયોગ માટે ફેઝ-૧ના કામો માટે રૂપિયા ૪૩૬૯ કરોડના કામો મંજૂર કર્યા છે.

નર્મદાના પૂરના વહી જતા વધારાના પાણીનો આ એક મિલિયન એકર ફીટ પાણીનો જથ્થો કચ્છ પ્રદેશ માટે ફાળવવામાં આવેલો છે.

આ વધારાના પાણીના ઉપયોગ માટે કુલ ૩૩૭.૯૮ કિલોમીટરની લંબાઇની પાઇપ લાઇન દ્વારા ૪ લિંકનું આયોજન કરાયું છે.

કચ્છના ધરતીપુત્રોને જરૂરિયાત મુજબ સિંચાઇનું પાણી મળી રહે તે હેતુથી આવી પાઇપલાઇન મારફતે ૩૮ જેટલી નાની તથા મધ્યમ સિંચાઈ યોજનાઓમાં આ પાણી નાખવાનું રાજયના જળસંપત્ત્િ। વિભાગનું આયોજન છે.

મુખ્યમંત્રીશ્રીએ આ હેતુસર કચ્છ શાખા નહેરની વર્તમાન કામગીરીને ધ્યાનમાં રાખીને ફેઝ-૧ અંતર્ગત ૪૩૬૯ કરોડ રૂપિયાના કામો હાથ ધરવાની વહીવટી મંજૂરી આપી છે.

આ કામો હાથ ધરાવાના પરિણામે કચ્છના મુન્દ્રા, અંજાર, માંડવી, રાપર, ભુજ અને નખત્રાણા એમ છ તાલુકાના ૭૭ ગામોને સિંચાઈ સુવિધા મળતી થશે.

એટલું જ નહિ અંદાજે બે લાખ ૮૧ હજાર એકર વિસ્તારમાં આ નર્મદા જળથી સિંચાઈ થઈ શકશે.

(10:13 am IST)