Gujarati News

Gujarati News

News of Sunday, 19th January 2020

સૌરાષ્‍ટ્ર કચ્‍છમાં નલિયામાં ઠંડીનો પારો સૌથી વધુ ગગડી ૩.૮ ડિગ્રી નોંધાયો : મધ્‍યપ્રદેશ પાસેના સાઇકલોનીક સરકયુલેશનને કારણે હજુ કોલ્‍ડવેવ જારી રહેશે : ર૪ મી પછી ઠંડીમાં ઘટાડો જોવા મળશે

અમદાવાદ : ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી જારી રહેલી કડકડતી ઠંડીમાંથી હાલ પૂરતી રાહત મળે તેની સંભાવના નહિવત્ જણાય છે. હવામાન વિભાગે હજુ આગામી બે દિવસ માટે કચ્છ તેમજ સૌરાષ્ટ્રના રાજકોટ-પોરબંદર-અમરેલી-ભાવનગરમાં કોલ્ડવેવ રહેવાની આગાહી કરેલી છે. હિમાચલ પ્રદેશમાં થયેલી હિમ વર્ષાને પગલે ઠંડીમાં વધારો નોંધાયો છે. નલિયામાં સતત બીજા દિવસે 4 ડિગ્રીથી નીચે પારો રહેતા 3.8 ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયું હતું. નલિયામા હજુ આગામી પાંચ દિવસ 4 થી 6 ડિગ્રી વચ્ચે ઠંડીનો પારો રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવેલી છે.

નલિયા ઉપરાંત કુલ 12 શહેરમાં ઠંડીનો પારો 10 ડિગ્રીથી નીચે નોંધાયો હતો. જેમાં રાજકોટ-કેશોદ-પોરબંદર-અમરેલી-કંડલા-ભૂજ-સુરેન્દ્રનગર-ડીસા-ગાંધીનગર-મહુવાનો સમાવેશ થાય છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, ઉત્તર પ્રદેશના મધ્ય બાગથી દક્ષિણ ગુજરાત ક્ષેત્ર અને પશ્ચિમ મધ્ય પ્રદેશ સુધી સમુદ્રથી 1.5 કિલોમીટરથી 2.1 કિલોમીટર ઊંચાઇએ સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. જેના પગલે હજુ ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક જિલ્લામાં કોલ્ડવેવની અસર રહેશે.

અલબત્ત, ઠંડીમાં હાલની સ્થિતિમાં વધારે ફેરફાર થાય તેની સંભાવના નથી. બીજી તરફ અમદાવાદમાં 25.2 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 2.7 ડિગ્રીનો ઘટાડો જ્યારે 10.4 ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં 1.7 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. અમદાવાદમાં હજુ આગામી 10 દિવસની આસપાસ ઠંડીનો પારો રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવેલી છે. અમદાવાદમાં હજુ આગામી 24 જાન્યુઆરી સુધીમાં ઠંડીમાં ઘટાડો અનુભવાય તેની સંભાવના નહિવત્ છે.

(11:55 am IST)