Gujarati News

Gujarati News

News of Saturday, 19th January 2019

ખોડલધામ ટ્રસ્ટ દ્વારા નરશીભાઈ પટોડીયાને કહી દેવાશે 'આપની સેવાની કોઈ જરૂર નથી!'

૨૧મીએ કાગવડ ખાતે ઓલ ઈન્ડિયાની કન્વીનર મીટ : બપોર બાદ કારોબારી બેઠકઃ ગુજરાતના પાંચ સહકન્વીનરો માહેના એક પટોડીયાને મૌખિક રીતે કરાશે 'સેવામુકત'

રાજકોટ, તા. ૧૯ : ગુજરાતના સુપ્રસિદ્ધ સામાજીક, સેવાકીય અને ધાર્મિક ટ્રસ્ટ ખોડલધામ ટ્રસ્ટની ઓલ ઈન્ડિયા કન્વીનર મીટ તથા કારોબારી બેઠક આગામી ૨૧મીના રોજ મળી રહી છે ત્યારે ખોડલધામ ટ્રસ્ટના ગુજરાતનાં પાંચ સહકન્વીનરો માહેના એક એવા છેલ્લી રાતના પક્ષપલ્ટુ નરશીભાઈ પટોરીયાને ખોડલધામ ટ્રસ્ટ દ્વારા હવે ''આપની સેવાની કોઈ જરૂર નથી'' તેવું સંભળાવી દેવાશે તેવું જાણવા મળે છે.

રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં.૧૩ની પેટાચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યા બાદ ઉમેદવારીપત્રકની ચકાસણી પુરી થઈ ગયા બાદ છેલ્લી ઘડીએ કોંગ્રેસ છોડી રાતોરાત અગમ્ય કારણોસર ભાજપનો પાલવ છોડી રાજકારણના ઈતિહાસમાં ભાગ્યે જ બનતી ઘટનાને અંજામ આપનાર નરશી પટોડીયા સામે પાટીદાર સમાજ, ખોડલધામ ટ્રસ્ટ તથા કોંગ્રેસમાં ભારે રોષ ફેલાયાના અહેવાલો વચ્ચે આ પ્રકરણે ભારે ચકચાર જગાવી છે.

ખોડલધામ ટ્રસ્ટના સુમાહિતગાર વર્તુળોમાંથી જાણવા મળતી વિગતો મુજબ આગામી ૨૧મીએ કાગવડ ખાતે સવારે ખોડલધામ ટ્રસ્ટની ઓલ ઈન્ડિયા કન્વીનર મીટ યોજાશે અને ત્યારબાદ બપોરના ૧૨ વાગ્યે ખોડલધામ ટ્રસ્ટની કારોબારી બેઠક મળશે.

તાજેતરમાં રાજકોટ શહેરના વોર્ડ નં.૧૩ની ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી ચૂંટણી જંગમાં ઝુંકાવનાર ખોડલધામ ટ્રસ્ટના ગુજરાતના સહકન્વીનર નરશી પટોડીયાએ એક તો રાજકીય ચૂંટણીમાં ઝુકાવ્યુ અને બીજી બાજુ રાજકીય વિશ્વસનીયતા ઉપર કુઠારાઘાત કર્યો તેનાથી ખોડલધામ ટ્રસ્ટના નાના - મોટા કાર્યકરો અને આગેવાનોમાં ભારે નારાજગી ઉભી થઈ હતી.

ખોડલધામ ટ્રસ્ટનો હોદ્દો ધરાવતી વ્યકિત રાજકીય સમરાંગણામાં ઝુકાવે એટલે તેણે હોદ્દેદાર તરીકેથી રાજીનામુ આપવુ પડે એટલે નરશી પટોરીયાની હકાલપટ્ટી પણ કરવાની જરૂર રહેતી ન હતી. પરંતુ પટોરીયાએ જે ઢબે પક્ષપલ્ટો કર્યો છે તેનાથી ખોડલધામના કાર્યકરો ઉંડા આઘાતની લાગણી અનુભવે છે. પરંતુ ટેલીફોનિક રોષનો પણ પટોડીયાએ ભોગ બનવુ પડ્યુ હતું.

એમ કહેવાય છે કે કોઈને પણ વિશ્વાસમાં લીધા વગર કે જાણશુદ્ધા કરવાની દરકાર ન કરનાર નરશી પટોડીયાએ આચરેલ કૃત્યથી ખોડલધામ ટ્રસ્ટમાં નૈતિકતાની દૃષ્ટિએ ભારે નારાજગી પ્રવર્તી રહી છે.

આગામી ૨૧મીએ મળનારી બેઠકમાં સત્તાવાર રીતે નરશી પટોડીયાની કોઈ ચર્ચા થશે નહિં પરંતુ નૈતિકતા અને વિશ્વસનીયતાના ચિરહરણ બદલ ખોડલધામ ટ્રસ્ટ નરશી પટોડીયાને મૌખિક રીતે જ સ્પષ્ટ સુણાવી દેશે કે આપને કોઈ બેઠકમાં કે મીટમાં આવવાની જરૂર નથી અને હવેથી ખોડલધામ ટ્રસ્ટમાં આપની કોઈ સેવાની જરૂર નથી.

પાટીદાર સમાજની અગ્રીમ સંસ્થામાં સેવા આપવી એ જવાબદારી અને ફરજ માનવામાં આવે છે તેથી કન્વીનર કે સહકન્વીનરની નિમણુંક સમયે ટ્રસ્ટ દ્વારા કોઈને પણ લેખિત નિમણુંકપત્ર આપવામાં આવતો ન હોય સેવામાંથી રૂખસદ આપવા બાબતે પણ કોઈ લેખિત પત્ર પાઠવવાની જરૂર રહેતી નથી તેમ પણ ચર્ચાય છે.(૩૭.૮)

ગજબનાક જોગાનુજોગ માન્યતા

કોઈપણ પક્ષ કે સંસ્થા છોડી ભાજપમાં જોડાનાર પાટીદાર અગ્રણી હાંસીયામાં કેમ ધકેલાય છે?

સૌરાષ્ટ્રના રાજકીય વિશ્લેષકોમાં એક એવી પ્રબળ માન્યતા ચર્ચાય રહી છે કે કોઈપણ પક્ષ કે સંસ્થામાંથી ભાજપમાં જોડાનાર અગ્રણી કોઈ અગમ્ય કારણોસર યેન-કેન પ્રકરણે હાંસીયામાં ધકેલાઈ જાય છે. આ અંધશ્રદ્ધા કે ખોટી માન્યતાને હવા આપે તેવા ડઝનેક કિસ્સા હોવાનું ચર્ચાય છે.

તાજેતરમાં વોર્ડ નં.૧૩ની પેટાચૂંટણીમાં ખેલાખેલ નૈતિકતાની હોવા સમી પક્ષપલ્ટાની ઘટનાએ રાજકોટ, સૌરાષ્ટ્ર તથા ગુજરાતભરમાં ભારે ચકચાર જગાવી છે.

હવે કોંગ્રેસના વરરાજા બની ઘોડી ઉપરથી છલાંગ લગાવી ભાજપની ટીમમાં જોડાયેલા નરશી પટોડીયાનું રાજકીય ભવિષ્ય કેવી હશે એ તો આગામી સમય કહેશે પરંતુ બધાના નસીબ કુંવરજીભાઈ બાવળીયા જેવા નથી હોતા એ સનાતન સત્ય વાત છે.

રાજકીય વિશ્લેષકો હાલમાં જે નામો ચર્ચે છે તેમાં નરહરીભાઈ અમીન, ગોરધનભાઈ ઝડફીયા, બાવકુભાઈ ઉંધાડ, જેતપુરના પૂર્વ ધારાસભ્ય દિલીપભાઈ પટેલ, સરકારી અગ્રણી શામજીભાઈ ખુંટ, છેલ્લે છેલ્લે રેશ્માબેન પટેલ અને હવે તુમ્હારા કયા હોગા નરશીભાઈ?

રાજકીય વિશ્લેષકો કહે છે કે વાજતે ગાજતે ભાજપમાં પ્રવેશતા પાટીદાર આગેવાનો ભાજપમાં કેમ હાંસીયામાં ધકેલાય છે. આ નો જવાબ શું હોય શકે અને કોણ આપી શકે?(૩૭.૮)

(3:58 pm IST)