Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

વેરાવળ તાલુકામાં ખાણ ખનીજના દરોડાઃ રપ લાખના મુદામાલ ઝડપાયોઃ મધ્યરાત્રીએ નાસભાગ

વેરાવળ તાલુકામાં દરિયાઇ વિસ્તારમાં આવેલ ગામડાઓમાં ખાણખનીજના દરોડા પાડેલ તેમાં ચકરડી, જનરેટર તેમજ પથ્થરોની મુદામાલ કબ્જે કરેલ તેની તસ્વીર. (તસ્વીરઃ દિપક કક્કડ-વેરાવળ)

 વેરાવળ તા.૧૯ : તાલુકાના દરિયાકાંઠા વિસ્તારમાં ખનીજ ચોરી થતી હોય જેથી પ્રોબેશનલ કલેકટરની આગેવાની હેઠળ મામલતદાર, ખાણખનીજ અધિકારીઓ, પોલીસએ સંયુકત દરોડો પાડેલ આ દરોડો પડતા મધ્યરાત્રીએ માલ સમાજ મુકીને અનેક શખ્સો નાસી ગયેલ હતા. ૧૪ કલાક સુધી મુદામાલ કબ્જે કરાયેલ હતો તે સ્થળ ઉપરથી ન ખસેડાય તે માટે વિવાદ ચાલેલ હતો પણ તંત્રએ રપ લાખનો મુદામાલ કબ્જે કરી સ્થળ ઉપર કેટલી ખનીજ ચોરી થયેલ તેને સર્વે ચાલુ કરાવેલ છે.

પ્રોબેશનલ આઇ.એસ. ઓમ પ્રકાશે જણાવેલ કે, મામલતદાર, નાયબ મામલતદાર, ભુસ્તર શાસ્ત્રી, પોલીસને સાથે રાખીને વડોદરા ડોડીયા, ઇન્દ્રોય, નાવદ્રા સહિતના દરિયા કાંઠાના વિસ્તારના ગામોમાં મધ્યરાત્રીએ બે વાગ્યે ખનીજ ચોરી થતી હોય ત્યાં દરોડો પાડેલ હતા. ઘોર અંધારામાં માંડ-માંડ ચાલીને જવાતુ હતુ ત્યાં અનેક જગ્યાએ જનરેટર, ડિઝલ પંપ રાખી ચકરડીઓ ચલાવાતી હતી અને ખુલ્લેઆમ પથ્થરો કાપીને ટ્રેકટરોમાં લઇ જવાતા હતા.

આ દરોડો પડતા ખનીજચોરોમાં નાસભાગ થયેલ હતી તેથી સ્થળ ઉપરથી ૧૧ કટર મશીન, બે હેવી જનરેટર, પાંચ ટ્રેકટર, એક જેસીબી તથા સ્થળ ઉપર પડેલા પથ્થરો કુલ રૂ.રપ લાખનો મુદામાલ કબ્જે કરેલ છે.  રાત્રે ઘોર અંધારામાં અમુક અધિકારીઓ ખાયમાં પડતા પડતા માંડ-માંડ બચેલ હતા અને જે વિસ્તારોમાં ખનીજ ચોરી પકડાયેલ છે ત્યાં મોટા-મોટા વિસ્તારોમાં ખાડા પડી ગયેલ છે. આ જગ્યા ગૌચર, સરકારી હોય જેથી તેનો સર્વે કર્યા બાદ અત્યાર સુધીમાં કેટલી ખનીજ ચોરી થયે તે જાણવા મળશે તેમ જણાવેલ હતુ. આ દરોડો પડતા ખનીજ ચોરોમાં ફફડાટ ફેલાયલ છે હજુ પણ દરિયાઇ વિસ્તારમાં જયાં ખનીજ ચોરી થતી હશે ત્યાં દરોડા પાડવામાં આવશે તેમ જણાવેલ હતુ.

(3:14 pm IST)