Gujarati News

Gujarati News

News of Friday, 18th December 2020

સોમવારે લાંબામાં લાંબી રાત્રી અને ટૂંકામાં ટૂંકા દિવસે ૩૯૭ વર્ષ બાદ ગુરુ અને શનિ ગ્રહની અદ્વુત યુતિ

ટેલિસ્કોપની નજરે નિહાળવા લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર દ્વારા વ્યવસ્થાઃ નોંધણી પ્રક્રિયા શરૂ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૧૮: ગુજરાત સરકારના વિજ્ઞાન વિભાગના પેટા વિભાગ ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી, ગાંધીનગર દ્વારા રાજયભરમાં લોક વિજ્ઞાન કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા છે. જે અંતર્ગત ભાવનગર જિલ્લામાં ગણિત, વિજ્ઞાન, ટેકનોલોજી અને ખગોળ વિજ્ઞાન વિગેરેનો સૈધાંતિક અને પ્રાયોગિક પ્રચાર-પ્રસાર દ્વારા લોક ભોગ્ય બનાવવા હેતુ કલ્યાણ ફાઉન્ડેશન ટ્રસ્ટ, ભાવનગર પ્રેરિત GUJCOST માન્ય કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર વર્ષ ૨૦૦૨થી કાર્યરત છે.

હાલ વર્ષ ૨૦૨૦માં વિન્ટર સોલ્સટીસ એટલે કે વર્ષનો સૌથી ટુંકો દિવસ અને લાંબી રાત્રી. આ દિવસે ૩૯૭ વર્ષ બાદ ભાગ્યેજ જોવા મળશે ગુરુ અને શનિ ગ્રહની અદ્બુત અદ્વિતીય યુતિ થવા જઈ રહે છે. જે અંગે વધુ માહિતી આપતા કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગરના કો-ઓર્ડીનેટર શ્રી હર્ષદભાઈ જોષીએ જણાવ્યું કે, ગુરુ અને શનિ ગ્રહ વચ્ચેનું વાસ્તવિક અંતર આશરે ૭૩૫ મિલિયન કિ.મી જેટલું છે. પરંતુ પોતાની પરિભ્રમણ કક્ષા અને પરીભ્રમણ વેગને કારણે સૂર્ય મંડળના સૌથી મોટા બે ગ્રહ ગુરુ અને શનિ ૧૬ ડિસેમ્બરથી ૨૧ ડિસેમ્બર દરમ્યાન પોતાની ભ્રમણ કક્ષામાં એકબીજા સાથેનાં કોણીય અંતરમાં સતત ઘટાડો થવાથી ૨૧ ડિસેમ્બરે બંને એકબીજાથી ૦.૧ ડીગ્રીના કોણીય અંતરે જોવા મળશે. એમ કહી શકાય કે ગુરુ ગ્રહ શનિ ગ્રહને પોતાના ખભા પર ઉચકતો જોવા મળશે.

પ્રાપ્ત જૂની માહિતી મુજબ ૧૬ જુલાઈ, ૧૬૬૩ના દિવસે આ પ્રકારની દ્યટનાની નોંધ કરવામાં આવેલ. ત્યાર પછી ૨૧ ડિસેમ્બર, ૨૦૨૦ને સોમવારના રોજ આ બંને ગ્રહો આટલા નજીક આવ્યા હોય (ખરેખર નજીક નહિ, પરંતુ બંનેની ભ્રમણ કક્ષાના અક્ષમાં થયેલ ટૂંકા સમયનો ફેરફાર) એવી દ્યટના ૩૯૭ વર્ષ બાદ જોઈ શકાશે. આ દ્યટના નૈઋત્ય (દક્ષિણ-પશ્ચિમ) દિશામાં સુર્યાસ્ત બાદ ૧૬ ડિસેમ્બર થી ૨૧ ડિસેમ્બર દરમ્યાન નરી આંખે પણ નિહાળી શકાશે. આ દ્યટનાની વિશેષતા અને મુલ્યને ધ્યાનમાં રાખીને કોવીડ-૧૯ની કપરી પરિસ્થિતિમાં લોકો આ દ્યટનાને નિહાળવામાં વંચિત ના રહે તેવા આશયથી કોવીડ-૧૯ની સરકારશ્રીની ગાઈડલાઈન્સને અનુસરીને કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર સંચાલિત ભાવનગર એસ્ટ્રોનોમી કલબ દ્વારા આ ઘટનાને ટેલિસ્કોપ વડે નિહાળવા માટે કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, સંસ્કાર મંડળ, ભાવનગર ખાતે રસ ધરાવતા નોંધણી થયેલ પ્રથમ મર્યાદિત ૬૦ વ્યકિતઓ માટે વ્યવસ્થા કરવામાં આવનાર છે.

ખાસ નોંધઃ આ ચિરકાલીન દુર્લભ યુતિને ટેલીસ્કોપથી નિહાળવા માટે ઈચ્છિત લોકોએ ફરજીયાત પોતાના નામની નોંધણી www.krcscbhavnagar.org / upcoming events પર કરવાની રહેશે. તેમજ વેબસાઈટ પર આપેલા નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. વેબસાઈટ પર જણાવ્યા અનુસાર નોંધણી થયેલા પ્રથમ ૬૦ વ્યકિતઓને જ જણાવેલ સમય દરમ્યાન પ્રવેશ આપવામાં આવશે.

વધુ માહિતી માટે ૮૮૬૬૫૭૦૧૧૧ પર સવારે ૧૦ થી સાંજે ૬ સુધીમાં સંપર્ક કરી શકાશે.

(11:36 am IST)