Gujarati News

Gujarati News

News of Monday, 18th December 2017

કોડીનાર પાલિકાના કર્મચારીઓના અણઉકેલ પ્રશ્નો મુદ્દે સામુહિક હડતાલની ચિમકી

 કોડીનાર, તા. ૧૮ :. કોડીનાર નગરપાલિકાના કર્મચારી ગણ દ્વારા પાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવી કર્મચારી ગણને પોલીસ રક્ષણ આપવા અને આરોપીઓને કડક સજા કરી ન્યાયીક કાર્યવાહી કરવામાં આવે તો તા. ૨૭-૧૨ની નગરપાલિકા કર્મચારી ગણ તમામ જાહેર સેવાઓ ઠપ્પ કરી મામલતદાર ઓફિસ સામે સામુહિક હડતાલ ઉપર ઉતરી જવાની ચિમકી ઉચ્ચારી છે.

આવેદનપત્રમાં જણાવ્યુ છે કે, કર્મચારીઓ શહેરમાં રસ્તાની કામગીરી કરી રહ્યા હતા ત્યારે ચંદ્રકાન્ત ઉર્ફે બાબુડી અને રફીક સલોતે કર્મચારી માનસિંહ ચાવડાનો કાઠલો પકડી ઢીકાપાટુનોે માર મારી હુમલો કર્યાની ફરીયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. પાલિકા કર્મચારીઓ ઉપર શહેરમાં ચાલતા જુદા જુદા કામોમાં વારંવાર હુમલા થવા છતા અને પાલિકા દ્વારા આ અંગે પોલીસ બંદોબસ્ત માંગવા છતા તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત ફાળવાયો ન હોય ત્યારે તા. ૨૦-૬-૧૭ના રોજ ફરીથી ચંદ્રકાન્ત ઉર્ફે બાબુડી અને મહેશ મકવાણાએ સરકારી કામગીરીમાં રૂકાવટ કરી કામગીરી બંધ કરાવી ગાળો ભાંડી ોય તેની ફરીયાદ કરવા ગયા હોવા છતાં પોલીસે પાલિકાકર્મીઓની ફરીયાદ સ્વીકારી ન હતી અને અગાઉની તા. ૧૭-૬ની ફરીયાદ સામે કોઈ પણ કાર્યવાહી પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવી ન હોય, પાલિકા કર્મીઓ તા. ૨૧-૬-૧૭ના અચોક્કસ મુદત માટે શહેરની સુવિધાઓ બંધ કરી હડતાલ ઉપર ઉતરી જતા તા. ૨૨-૬-૧૭ના ડીવાયએસપી વેરાવળ અને નાયબ કલેકટર ઉના, મામલતદાર કોડીનારી હડતાલની છાવણીની મુલાકાત લઈ પાલિકા કર્મચારીઓની માંગણીઓ સ્વીકારી આરોપીઓની ધરપકડ કરવા તેમજ ફરજ રૂકાવટની ફરીયાદ નોંધવા સહિતની કામગીરી વહેલી તકે કરવા ખાત્રી આપતા હડતાલ સમેટાઈ હતી.

પરંતુ તેમ છતા તા. ૧૭-૬-૧૭ની તા. ૨૦-૧૧-૧૭ સુધી આરોપીઓને પકડવાની કાર્યવાહી કરવામાં આવી ન હતી ત્યાર બાદ થોડા દિવસો પહેલા આરોપીઓની ધરપકડ કરી બીજા દિવસે જામીન ઉપર મુકત કરાયા છે. તેમજ પાલિકા કર્મચારીગણ જાહેર સ્થળોએ કામગીરી કરતા અસલામતી અનુભવી રહ્યા છે.

તા. ૨૨-૧૨-૧૭ સુધીમાં કર્મચારીઓ ઉપર નોંધવામાં આવેલ ફરીયાદ રદ કરવામાં આવે અને કર્મચારીઓને પોેલીસ રક્ષણ આપવા અને આરોપીઓને સજા કરવાની માંગ કરી જો આ અંગે કોઈ ન્યાયીક કાર્યવાહી કરવામાં નહી આવે તો નાછુટકે તા. ૨૭-૧૨-૧૭ની શહેરમાં આપવામાં આવતી તમામ પાણી, સફાઈ, સીટી લાઈટ, આરોગ્યલક્ષી તમામ સુવિધાઓ બંધ કરી ઓફિસ સમયે મામલતદાર કચેરી સામે સામુહિક હડતાલ ઉપર ઉતરી જવાની ચિમકી   ઉચ્ચારી હતી.(૨-૩)

(9:36 am IST)