Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

જૂનાગઢ સિવિલની કોરોના વોર્ડ ICU યુનિટની મુલાકાત લેતા જિ. કલેકટર પારઘી

જુનાગઢના કોરોના વોર્ડમાં દાખલ દર્દીના સગા સાથે હેલ્પ ડેસ્ક પરથી વિડીયો કોલીંગથી વાત થશે

જૂનાગઢ તા. ૧૮ : વૈશ્વિક મહામારી કોરોનાને નિયંત્રણમાં લેવા જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા સઘન પગલા લેવામાં આવી રહ્યા છે. જૂનાગઢ જિલ્લા કલેકટર ડો.સૌરભ પારઘી અને જિલ્લા વિકાસ અધિકારી પ્રવિણ ચૌધરીએ જૂનાગઢ સિવિલ હોસ્પીટલમાં દર્દીઓને મળતી સારવાર સુવિધા સહિતની બાબતો અંગે જાણકારી મેળવી હતી. બન્ને અધિકારીઓ પી.પી.ઇ. કીટ પહેરી કોરોના વોર્ડ અને આઇ.સી.યુ.ની મુલાકાત લઇ દર્દીઓ પાસેથી પણ સારવારની વિગતો મેળવી હતી.

કલેકટરે કોરોના વોર્ડ સાથે આઇ.સી.યુ.ની મુલાકાત લઇ દર્દીઓને અપાતી સારવારની ડોકટરો પાસેથી વિગતો મેળવવા સાથે ડોકટરોને દર્દીઓની સારવારમાં તેમજ સુવિધામાં પડતી મુશ્કેલીઓ અંગે પણ ચર્ચા-સમીક્ષા કરી દર્દીઓને શ્રેષ્ઠ સારવાર મળે તે માટે તકેદારી લેવા જણાવ્યુ હતું.

ઉપરાંત કોરોના વોર્ડમાં દાખલ દર્દીઓના સબંધીઓને એક જ હેલ્પ ડેસ્ક પરથી હોસ્પીટલમાં કોરોનાના દર્દીઓને મળતી સારવારની વિગતો મળે તેમજ વીડીયો કોલીંગની સુવિધા મળતી થાય તે અંગે વ્યવસ્થાઓ ઉભી કરવા માટે સુચનાઓ આપવામાં આવી હતી.

હોસ્પીટલના અધીક્ષક ડો. બગડાએ આ તકે જણાવ્યુ કે, જૂનાગઢ સિવિલ હોસ્પીટલમાં કોરોના દર્દીઓને રાજકોટ ખાતે મળતી સુવિધાઓ અને સારવાર મળે તેવા અમારા પ્રયાસો છે. તે માટે  હેલ્થ ઓફીસર ડો.રવિ ડેડાણિયા તેમજ સિવિલના આર.એમ.ઓ. ડો.સોલંકીએ જિલ્લા વિકાસ અધિકારી પ્રવીણ ચૌધરી સાથે રાજકોટ સિવિલની મુલાકાત પણ લીધી હતી.

ઉપરાંત સિવિલમાં આવતા કોરોના દર્દીઓને સમયસર શ્રેષ્ઠ સારવાર મળે તેમને સારવારમાં રાહના જોવી પડે તેમના સબંધીઓને વિગતો મળતી રહે તેની તકેદારી લેવાશે. હાલ સિવિલ હોસ્પીટલ ખાતે કોરોનાના ૯૭ પોઝીટીવ દર્દીઓ સારવાર હેઠળ છે. જેમને આઇ.સી.યુ. સહિતની સુવિધા આપવામાં આવતી હોય છે તેમ ડો.બગડાએ વધુમાં જણાવ્યુ હતું.

(12:54 pm IST)