Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

દેવભૂમિ જિલ્લામાં સાત પગલા ખેડુત કલ્યાણના અંતગર્ત દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી તથા પ્રાકૃતિક કૃષિ પધ્ધતિ-જીવામૃત બનાવવા કીટ માટેની સહાયનો લોકાર્પણ

મુખ્યમંત્રી દ્રારા વધુ બે પગલાઓનું ઇ-લોકાર્પણઃલાભાર્થી ખેડુતોને મંજુરી પત્રો તથા બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડનું વિતરણ

દેવભૂમિ દ્વારકા, તા.૧૮: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એપીએમસી ખંભાળીયા ખાતે સાત પગલા ખેડુત કલ્યાણનાં અંતર્ગત દેશીગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી, દેશી ગાય નિભાવ ખર્ચ સહાય યોજના તથા પ્રાકૃતિક કૃષિ પધ્ધતિ જીવામૃત બનાવવા કીટ સહાય યોજનાનો લોકાપર્ણ કાર્યક્રમ ગ્રામગૃહ નિર્માણ બોર્ડના ચેરમેનશ્રી મુળુભાઇ બેરાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.

મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત અને યોજનાકીય જાણકારી જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી એ.બી.કમાણીએ આપી હતી. કાર્યક્રમની શરૂઆત દિપ પ્રાગટયથી કરવામાં આવી હતી.

ગ્રામગૃહ નિમાર્ણ બોર્ડના ચેરમેનશ્રી મુળુભાઇ બેરાએ જણાવ્યું હતુ કે, આજનો દિવસ ખૂબજ મહત્વનો છે દુનિયામાં જેણે દેશનું ગૌરવ વધાર્યું છે એવા લોકલાડીલા માન.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનો આજે જન્મ દિવસ છે જેઓ રાષ્ટ્રના સર્વાંગી વિકાસમાં પોતાનો મહત્વનો ફાળો આપી રહયા છે. જગતના તાત પ્રત્યે તેઓશ્રીને ખૂબજ માન અને ગર્વ છે. આપણા ખેડુતો ગમે તેવી વિષમ પરિસ્થિતિમાં કોરોનાની મહામારી, લોકડાઉન હોવા છતા હંમેશા લોકકલ્યાણને જ મહત્વ આપી કાર્યરત રહે છે. જયારે બધાના નોકરી-ધંધા બંધ હતા. રોડ, રસ્તા, ટ્રાન્સપોર્ટશન બંધ હતા છતા આપણા ખેડુતોએ પોતાના દેહની પરવા કર્યા વગર જ સમગ્ર રાજય, દેશના, જિલ્લાના લોકોની શાકભાજી અને ફળફ્રુટની માંગને પુરી કરી હતી. દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી જેમા ખેડુત કુટુંબ દિઠ એક ગાયનાં નિભાવ ખર્ચ અર્થે રૂ.૯૦૦/- પ્રતિમાસ સહાયની રકમ પ્રમાણે ત્રિમાસિક રૂ.૨૭૦૦/- લેખે ખેડુતોના બેંક એકાઉન્ટમાં સીધા જમા થશે. કુલ ૧,૦૫,૦૦૦ લાખ લાભાર્થી ખેડુતો માટે સરકાર દ્વારા બજેટમાં રૂ.૬૬.૫૦ કરોડની જોગવાઇ કરેલ છે.

પ્રાકૃતિક કૃષિ પધ્ધતિ દ્વારા જીવામૃત બનાવવા સારુ લાભાર્થીઓને કૃષિ કીટમાં ૭૫ ટકા સહાયની યોજના અંતર્ગત દેશી ગાયના છાણ-ગૌમુત્રમાંથી જીવામૃત બનાવવા માટે પ્રાકૃતિક કૃષિ કીટ માટે રૂ.૧૨૪૮/- પ્રતિ કીટ સહાય આપવામાં આવશે. જેમાં ૨૧૦ લીટરના ઢાંકણ વગરનું ડ્રમ નંગ્-૧, ૧૦ લીટરના પ્લાસ્ટિકના ટબ નંગ-૨ અને ૧૦ લીટર પ્લાસ્ટિકની ડોલ નંગ-૧નો સમાવેશ થાય છે. કુલ એક લાખ લાભાર્થી ખેડુતો માટે સરકાર દ્વારા બજેટના કુલ રૂ.૧૩.૫૦ કરોડની જોગવાઇ કરેલ છે. ખેડુત ચીલાચાલુ ખેતીની પધ્ધતિમાંથી બહાર આવે, ખેડુતો પ્રાકૃતિક ખેતી કરતા થાય, વૈજ્ઞાનિક ઢબે ખેતી કરતાં થાય તો ઉત્પાદન પણ ખૂબ વધુ થાય છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વધુ વરસાદ થવાથી જમીનનું ધોવાણ થયું છે અને પાકોને નુકશાન થયું છે. રાજય સરકાર દરેક જિલ્લામાં તેનું મોનીટરીંગ કરી રહી છે. અને માર્ગદર્શન આપતા રહયા છે.આ સરકાર સર્વે ખેડુતો માટે હમેશાં સંવેદનશીલ રહી છે.ખેડુતોનુ ભલુ થાય, ખેડુતો આર્થિક અને  સામાજિક રીતે સધ્ધર બને તેવા પ્રયત્નો કરતી આવી છે.

જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.જે.જાડેજાએ સાત પગલા ખેડુત કલ્યાણના અંતર્ગત પ્રાકૃતિક કૃષિની બે યોજનાઓ જેમાં ખેડુતોને સંપૂર્ણ દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડુત કુટુંબને એક દેશી ગાય માટે નિભાવ ખર્ચમા સહાય આપવાની યોજના અને પ્રાકૃતિક કૃષિ, પધ્ધતિ દ્વારા જીવામૃત બનાવવા સારૂ લાભાર્થીઓને નિદર્શન કીટમાં ૭૫ ટકા સહાયની યોજનાનો લાભ લેવા જણાવ્યું હતું.

આ પ્રસંગે રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ખેડુતોને જણાવ્યું હતુ કે, દેશના ખેડુતોની આવક બમણી કરવા માટે પ્રાકુતિક ખેતી તરફ ખેડુતોએ વધુ ધ્યાન આપવું જોઇએ ભૂતકાળમાં કૃત્રિમ ખાતર, કીટ નાશકોના દુષ્પરિણામ આપણે ભોગવી રહયા છીએ. રાસાયણીક ખેતીને કારણે ઉત્પાદન ઓછુ થઇ રહયું છે. જમીનની ફળદ્રુપતા દ્યટી છે અને જમીન રસાયણયુકત બની છે. આવા ઉત્પાદનના સેવનથી લોકોનું સ્વાસ્થય જોખમાયું છે. તો પ્રાકૃતિક ખેતીથી ખેડુતો ખેતી કરશે તો આ ખેતી થકી ખેડુતની લાગત પણ શૂન્ય રહે છે. અને ઉત્પાદનમાં પણ વધારો જોવા મળ્યો છે.

રાજયમાં ૨૨ હજાર માસ્ટર ટેનર્સ દ્વારા ૧ લાખ ૨૭ હજાર જેટલા ખેડુતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવામાં આવી છે જેમાંથી હાલની ખરીફ રૂતુમાં એક લાખથી વધુ ખેડુતોએ પ્રાકૃતિક ખેતી કરી છે. આ સાથે જ રાજયપાલશ્રીએ ઉમેર્યું હતુ કે, પ્રાકૃતિક ખેતી માટે ગાય ખેડુતના દ્યરમાં છે. તો તેના દુધ દ્વારા બાળકોની રોગપ્રતિકારક શકિત વધશે અને તેના છાણ અને ગૌમુત્ર દ્વારા ખેડુતોની ખેતી વધુ સંપન્ન થશે.

આ કાર્યક્રમમાં એપીએમસીનાં ચેરમેન અને જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પી.એસ.જાડેજા, કલેકટરશ્રી ડો.નરેન્દ્રકુમાર મીના, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી ,જિલ્લા –પંચાયતનાં સદસ્યશ્રી મયુરભાઇ ગઢવી, મશરીભાઇ નંદાણીયા, પત્રકારમિત્રો,  મોટી સંખ્યામાં ખેડુતો તથા લગત કચેરીના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહયા હતા.(

(12:49 pm IST)