Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

ઝૂમતા ડ્રાઇવરોના હાથમાં એસટી પ્રવાસીઓઃ મુન્દ્રા ડેપોમાં જામ ટકરાવી નશામાં ધુત બે ડ્રાઈવરો ઝડપાયા

પીધેલા સામે એસટી તંત્ર લાચાર?, એક જ ડ્રાઈવર અઠવાડિયામાં બીજી વાર ઝડપાયો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ,તા.૧૮ : દારૂના ધંધાર્થી એવા બુટલેગરો અને પીધેલાઓ સામે રાજય સરકારના કડક કાયદાઓ વચ્ચે કચ્છમાં એસટી ડેપોમાં જ જામ ટકરાવતા બે ડ્રાઈવરો ઝડપાયા છે.

જોકે, એક જ ડ્રાઇવર એક અઠવાડિયામાં બીજી વાર ઝડપાતાં દારૂ બંધી તેમ જ સરકારના કડક કાયદા સામે પણ સવાલો ઉભા થયા છે. કચ્છમાં મુન્દ્રા એસટી ડેપોમાં જામ ટકરાવી દારૂના નશામાં ધુત બે ડ્રાઇવરો વિરુદ્ઘ ડેપો મેનેજર અરવિંદ બરંડાએ આ બાબતે જાતે જ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી.

જેને પગલે એસટી ડેપોમાં દોડી આવેલ પોલીસે સમરથદાન આઇદાન ગઢવી અને દેવુભા મુરૂભા જાડેજાને દારૂ પીધેલી હાલતમાં પકડી પાડ્યા હતા. હારીજ ડેપોનો ડ્રાઇવર સમરથદાન ગઢવી ગયા અઠવાડિયે જ દારૂ  પીધેલી હાલતમાં ઝડપાયો હતો પણ પોલીસ કેસ પછી પણ એસટી નિગમે કોઇ કાર્યવાહી ન કરી. આમ, સરકારના જ વિભાગ દ્વારા  દારૂડીયા કર્મચારીઓ સામે અને ખાસ કરીને ડ્રાઈવરો સામે જેમના ભરોસે પ્રવાસીઓ હોય છે, તેમની સલામતી કેટલી?

(11:50 am IST)