Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

પોરબંદરમાં ડેન્ગ્યુના વધુ ર શંકાસ્પદ કેસઃ સામાન્ય બિમારીના ૯૦૦થી વધુ દર્દીઓ

સરકારી હોસ્પિટલમાં ઓપીડી દર્દીઓનો ધસારો : દર્દીઓને લોબીમાં સુવડાવવા પડે છે : ડોકટરોની સંખ્યા ઓછી : શહેરમાં પૂરતી સફાઇ થતી નથી : અનેક ફરીયાદો

પોરબંદર, તા. ૧૮ : શહેરમાં વરસાદ બાદ તાવ સહિત બિમારીના કેસમાં વધારો થઇ રહ્યો છે. ડેન્ગ્યુથી ગઇકાલે એક યુવાનનું મોત બાદ ડેન્ગ્યુના વધુ ર શંકાસ્પદ કેસ આવ્યા છે. સરકારી હોસ્પિટલમાં સામાન્ય તાવ સહિત બિમારીના ઓપીડી દર્દીઓની સંખ્યા ૯ર૪ પહોંચી છે. સરકારી હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો વધતો જાય છે.

સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં સ્વાઇનફલ્યુના દર્દીઓ માટે અલગ વોર્ડ રૂમ છે, પરંતુ સ્વાઇન ફલ્યુના દર્દી ન હોય આ વોર્ડ રૂમમાં અન્ય દર્દીઓને રાખવામાં આવ્યા છે. સામાન્ય તાવ, કળતર ઉધરસ શરદી સહિતના કેસ વધતા જાય છે. દાખલ કરવા પડે તેવા દર્દીઓને જગ્યાના અભાવે હોસ્પિટલની લોબીમાં સુવડાવવા પડે છે. સરકારી હોસ્પિટલમાં દર્દીઓને ટોકન નંબર આપી દેવાય છે છતાં દર્દીઓ હોસ્પિટલમાં ડોકટર દેખાય તો ધેરી લ્યે છે.

શહેરમાં વરસાદ બાદ કેટલાક સ્થળે પાણી નિકાલના અભાવે બંધિયાર પાણીથી ગંદકી વધતી જાય છે. શહેરમાં ઝેરી જીવાતનો ઉપદ્રવ વધ્યો છે. સુદામા મંદિર પાસે ગંદકી વધતા યાત્રિકો પરેશાન છે. રામ ઝરૂખા મંદિર પાસેથી સુદામા મંદિરે જવાના રસ્તો બંધ કરવામાં આવતા મુશ્કેલી વધી છે.

શહેર જિલ્લામાં નિયમિત સફાઇ, દવાનો છંટકાવ કરવા તેમજ બિમારી વધુ ન ફેલાય તે માટે આરોગ્ય તંત્ર સજાગ બને તેવી માંગણી ઉઠી છે.

(1:21 pm IST)